પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં શુક્રવાર અને શનિવારની વહેલી સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીના (NIA) અધિકારીઓની એક ટીમ 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા તૃણમૂલ કોંગ્રેસ નેતાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન NIA ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ભૂપતિનગર બ્લાસ્ટ કેસમાં કથિત સંડોવણી બદલ શુક્રવારે રાત્રે TMC ના બે નેતાઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો છે.
પૂર્વ મેદિનીપુરમાં NIA રેડ : સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર NIA અધિકારીઓની એક ટીમ ભૂપતિનગર બ્લાસ્ટ કેસની તપાસ માટે 3 ડિસેમ્બર, 2022 ના રોજ ભૂપતિનગર ગઈ હતી. મોનોબ્રતા જાના અને બલાઈલાલ મૈતી તરીકે ઓળખાતા બે સ્થાનિક TMC નેતાઓની NIA ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ભૂપતિનગર બ્લાસ્ટ કેસ તપાસ : 3 ડિસેમ્બર, 2022 ના રોજ પૂર્વ મેદિનીપુરના નદુવિલા ગામના રાજકુમાર મન્નાના બે માળના મકાનમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ બાદમાં NIA ઘટનાની તપાસ પોતાના હાથમાં લીધી હતી. તાજેતરમાં 30 માર્ચે તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓને વિસ્ફોટના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
NIA ટીમ પર હુમલો : આ ઘટના પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન કૌભાંડના સંબંધમાં શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પરના હુમલા જેવી જ છે. ટોળાએ તેમના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. EDની ટીમની સાથે રહેલા સેન્ટ્રલ ફોર્સના જવાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.