માંડ્યા: કર્ણાટકના માંડ્યા જિલ્લાના નાગમંગલામાં બુધવારે રાત્રે 8 વાગ્યે ગણેશ શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ સર્જાય હતી. આ અથડામણને કારણે સમગ્ર વિસ્તાર તંગ બની ગયો હતો. આ અથડામણ ગણેશ વિસર્જન દરમિયાન થઈ હતી.
બદરીકોપ્પાલુથી ભક્તો વિસર્જન માટે બે ગણેશ મૂર્તિઓ લઈને આવી રહ્યા હતા. શોભાયાત્રા ધાર્મિક સ્થળ પર પહોંચતાની સાથે જ કેટલાક ટીખળખોરોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ ઘટના પછી, બંને જૂથોએ પોતપોતાના ધાર્મિક સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું, જેનાથી તંગદિલી વધી ગઈ અને અરાજકતા ફેલાઈ હતી. મામલો બિચકતા અનેક દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
બદમાશોની ધરપકડ કરવાની માંગ: સૂત્રોએ જણાવ્યું કે પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા અને એકબીજા સાથે અથડામણ કરતા ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. બાદમાં બદરીકોપ્પાલુના યુવાનોએ પોલીસ સ્ટેશન પાસે શોભાયાત્રા અટકાવી દીધી હતી અને પથ્થરમારો કરનારા બદમાશોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.