લખનઉ: યુપી ATSએ રશિયાના મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત સત્યેન્દ્ર સેવાલની ધરપકડ કરી છે. સત્યેન્દ્ર ISI માટે એજન્ટ તરીકે કામ કરતો હતો. એડીજી એટીએસએ જણાવ્યું કે, સત્યેન્દ્ર વર્ષ 2021થી રશિયામાં ભારતીય દૂતાવાસમાં ભારતના શ્રેષ્ઠ સુરક્ષા સહાયક IBSAના પદ પર તૈનાત છે.
ATSના ADGએ જણાવ્યું હતું કે, એજન્ટ સત્યેન્દ્ર સેવાલ હાપુડના શહામહીઉદ્દીનપુરનો રહેવાસી છે, જે ISI હેન્ડલર્સને ભારતીય દૂતાવાસ, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાઓની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો. તાજેતરમાં ISI એજન્ટોની ધરપકડ બાદ તપાસમાં સત્યેન્દ્ર વિશે માહિતી મળી હતી, ત્યારબાદ ATSના મેરઠ યુનિટે સત્યેન્દ્રને પૂછપરછ માટે મેરઠ ઓફિસમાં બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે આરોપની કબૂલાત કરી હતી.
આ અંગે એડીજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે સત્યેન્દ્ર પોતાનૈ વૈભવી શોખ પૂરા કરવા માટે આઈએસઆઈના સંપર્કમાં આવ્યો અને તેમના માટે કામ કરવાના બદલામાં તેને મોટી રકમ ચૂકવવામાં આવતી હતી, જેથી લોભ-લાલચમાં તે સરહદ પારની તમામ ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો. ATS હવે સત્યેન્દ્રના સહયોગીઓ વિશે માહિતી એકઠી કરી રહી છે. એવી આશંકા છે કે આઈએસઆઈએ દૂતાવાસમાં ઘણા વધુ એજન્ટો બનાવાયા હોઈ શકે છે.