કોલકાતા : પશ્ચિમ બંગાળની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ મામલે નારાજ જુનિયર ડોક્ટરોએ મમતા સરકાર સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થિતિ એવી બની કે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ. સીએમ મમતા બેનર્જી અને સુપ્રીમ કોર્ટે પણ ડોક્ટરોને કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો, પરંતુ તેમની પણ વાત સાંભળવામાં આવી ન હતી.
ડોક્ટરોએ વિરોધ સંકેલ્યો : તાજેતરની માહિતી અનુસાર, નારાજ જુનિયર ડોકટરોએ શનિવારથી કામ પર પાછા ફરવાનું નક્કી કર્યું છે. જોકે, એક શરત મૂકી છે કે તે માત્ર ઈમરજન્સી સેવાઓ માટે જ ઉપલબ્ધ રહેશે. આ સાથે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેશે. આ લોકોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ OPD સેવાઓ નહીં આપે. આ પહેલાં શુક્રવારે વિરોધ કરી રહેલા ડોક્ટરોએ સ્વાસ્થ્ય ભવનથી CBI ઓફિસ સુધી લોંગ માર્ચ કાઢી હતી. તબીબોનો વિરોધ 42 દિવસ સુધી ચાલુ રહ્યો છે.
ડોક્ટરોએ મૂકી શરત : તમને જણાવી દઈએ કે, વિરોધ માર્ચ કાઢ્યા બાદ ડોક્ટરોએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પૂરના ભયંકર સ્વરૂપને જોતા કામ પર પાછા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. વિરોધ કરી રહેલા ડોક્ટર દેબાશિષે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી પર નજર રાખી રહ્યા છીએ, જો અમને ન્યાય નહીં મળે તો અમારો વિરોધ ફરી શરૂ થશે.
પ્રદર્શનકારી ડોક્ટરો પર લાઠીચાર્જ : આ પહેલા હાવડા બ્રિજ પર વિરોધ કરી રહેલા ડોક્ટરોને રોકવા માટે 6 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલે આ કેસના પ્રખ્યાત ચહેરા અને આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ રદ કરી દીધું છે. અગાઉ તેમને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.