નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સામે આરોપો નક્કી કરવાનો આદેશ આપ્યો છે. એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે 6માંથી 5 મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો માટે આદેશ આપ્યો હતો. જ્યારે 1 મહિલા કુસ્તીબાજના આરોપોને માન્ય રાખવામાં આવ્યા નથી.
કોર્ટે 5 મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354A અને 506 હેઠળ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં સહ-આરોપી અને ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ સચિવ વિનોદ તોમર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506 હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે, 26 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેણે આ કેસની ફરીથી તપાસની માંગ કરી હતી. 18 એપ્રિલના રોજ બ્રિજભૂષણે એક અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 7 સપ્ટેમ્બર, 2022ના રોજ ઘટના બની તે દિવસે તે ભારતમાં ન હતો. બ્રિજભૂષણે આ હકીકતની તપાસ માટે દિલ્હી પોલીસને આદેશ આપવાની માંગ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.
કોર્ટે 4 એપ્રિલે આરોપ ઘડવાના મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે 20 જુલાઈ, 2023ના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને જામીન આપ્યા હતા. 7 જુલાઈ, 2023 ના રોજ, કોર્ટે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લીધી. 15 જૂન, 2023ના રોજ, દિલ્હી પોલીસે રૂઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354D, 354A અને 506(1) હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે 6 પુખ્ત મહિલા કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના મામલામાં રાઉઝ એવન્યુ કોર્ટમાં સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.