અમરાવતી: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ શનિવારે જણાવ્યું હતું કે શ્રીવારી લાડુની દિવ્યતા અને શુદ્ધતા હવે 'નિષ્કલંક' છે. અગાઉ, બોર્ડે મંદિરમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે ઇન-હાઉસ ભેળસેળ પરીક્ષણ મશીન સ્થાપિત કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી.
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની સરકારે પ્રાણીઓની ચરબી સાથે ભેળસેળવાળા ઘીના ઉપયોગને મંજૂરી આપીને ભારતના સૌથી ધનિક મંદિરની ધાર્મિક 'શુદ્ધતા' સાથે સમાધાન કર્યું હતું. આ દરમિયાન નાયડુએ ગુજરાતના એક લેબ રિપોર્ટને ટાંક્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘીમાં માછલીનું તેલ, બીફ ફેટ અને લાર્ડના નિશાન છે.
બીફ ટેલો શું છે?
બીફ ટેલો એ ગૌમાંસના ટુકડા કે રમ્પ રોસ્ટ, પાંસળી અને સ્ટીકમાંથી કાઢવામાં આવતી ચરબીમાંથી બનેલો પદાર્થ છે. માંસમાંથી કાઢવામાં આવેલી ચરબીને ગરમ કરીને અને ઓગાળીને પણ ટેલો ઉત્પન્ન થાય છે, તેને પ્રવાહીમાં ફેરવે છે, જે ઓરડાના તાપમાને ઠંડુ થાય ત્યારે ચીકણા, માખણ જેવા પદાર્થમાં ફેરવાઈ જાય છે.
શું ઓછી કિંમતમના કારણે ભેળસેળ થઈ ?
તામિલનાડુના ડિંડીગુલ સ્થિત એઆર ફૂડ્સ આ વિવાદનું કેન્દ્ર છે. આ પેઢી શોર્ટલિસ્ટ કરાયેલી પાંચ કંપનીઓમાંની એક હતી. તમને જણાવી દઈએ કે ડિંડીગુલ સ્થિત એઆર ફૂડ્સ, જેની બોલી સૌથી ઓછી 320 રૂપિયા પ્રતિ લિટર હતી. એઆર ડેરીના પ્રવક્તાએ એક તમિલ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું, "અમે જૂન, જુલાઈ સુધી ટીટીડીને ઘી સપ્લાય કરતા હતા. પછી અમે સપ્લાય બંધ કરી દીધી. અમારી પાસે 30 વર્ષનો વારસો છે. અમે અમારી કોઈ પ્રોડક્ટમાં ભેળસેળ કરતા નથી."
તેમણે કહ્યું, "ટીટીડી દ્વારા ખરીદવામાં આવેલા કુલ જથ્થામાંથી, અમે માત્ર 0.1 ટકા જ સપ્લાય કર્યા છે. તે સપ્લાય માટે પણ અમે પરીક્ષણો કર્યા છે અને રિપોર્ટ્સ મોકલ્યા છે, FSSAIની રિપોર્ટ પણ TTDને મોકલવામાં આવી છે." કંપનીએ ઘીમાં ભેળસેળ કરવા માટે ફિશ ઓઈલનો ઉપયોગ કરવાના દાવાને પણ નકારી કાઢ્યો છે અને કહ્યું કે આ પદાર્થ ઘી કરતા પણ મોંઘો છે. કંપનીના ક્વોલિટી કંટ્રોલ ઓફિસરે જણાવ્યું હતું કે, આવી કોઈપણ ભેળસેળ માત્ર ગંધ દ્વારા જ શોધી શકાય છે.
કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ
TTD એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલા રાવે જણાવ્યું હતું કે લેબોરેટરી પરીક્ષણોએ પ્રાણીની ચરબીયુક્ત દૂષિત ઘીની હાજરીની પુષ્ટિ કરી છે અને જણાવ્યું હતું કે બોર્ડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયામાં છે. અધિકારીએ હાઇલાઇટ કર્યું હતું કે આ છટકબારીઓનો લાભ સપ્લાયર્સ દ્વારા લેવામાં આવ્યો હતો જેમણે રૂ. 320 અને રૂ. 411 ની વચ્ચે ઘી સપ્લાય કર્યું હતું, આ પ્રાઇસ બેન્ડને શુદ્ધ ગાય ઘી સપ્લાય કરવા માટે અવ્યવહારુ ગણાવ્યું હતું.
આટલા ઓછા ભાવે ઘી સપ્લાય કરવાની અવ્યવહારુતાને ટાંકીને, કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) એ 2023 માં કરારમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું. જો કે, લાડુની ગુણવત્તા સુધારવા માટે નાયડુના નિર્દેશને પગલે KMFએ ગયા મહિને TTDને સપ્લાય ફરી શરૂ કર્યો હતો.