બેંગલુરુ: કર્ણાટકમાં બેંગલુરુની CID સ્પેશિયલ અદાલતે શંકાના આધારે કસ્ટડીમાં લીધેલા એક આરોપીનું જેલમાં મોત થયાના કેસમાં 4 પોલીસ કર્મચારીઓને 7 વર્ષની સજા ફટકારી છે. સમાચાર અનુસાર ઓડિશાના વતની 42 વર્ષીય મહેન્દ્ર રાઠોડનું જેલમાં મૃત્યુ થયું હતું. આરોપ છે કે, જેલમાં પોલીસકર્મીઓએ રાઠોડને માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.
કોર્ટે જે 4 પોલીસકર્મચારીઓને સજા સંભળાવી છે, તેમાં જીવન ભીમનગર પોલીસ સ્ટેશનના ક્રાઇમ બ્રાંચના તત્કાલિન હેડ કોન્સ્ટેબલ એજાઝ ખાન, કોન્સ્ટેબલ કેશવ મૂર્તિ, મોહન રામ અને સિદ્દપ્પા બોમનહલ્લીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને 7 વર્ષની જેલ અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો
જીવન ભીમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક કેસમાં શંકાસ્પદ મહેન્દ્ર રાઠોડને 19 માર્ચ 2016ના રોજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. HAL ફેઝ 2 માં એક મકાનમાં કામ કરતા મહેન્દ્ર રાઠોડ પર તે જ ઘરમાંથી 3.2 લાખ રૂપિયાની ચોરી કરવાનો આરોપ હતો.
પોલીસ સ્ટેશને લવાયેલા મહેન્દ્ર રાઠોડને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુઃખાવો થતાં સાંજે બેભાન થઈને ઢળી પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. CID તપાસમાં પુષ્ટિ થઈ કે, પોલીસ કર્મચારીઓની બેદરકારી અને શારીરિક હુમલાના પરિણામ સ્વરુપે પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. 2019 માં, CID અધિકારીઓએ મૃતકના મૃત્યુ માટે જવાબદાર 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કૃષ્ણવેણીએ વિશેષ સરકારી વકીલ તરીકે કેસની દલીલ કરી હતી. સુનવણી કરનારી CID સ્પેશિયલ કોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવ્યા હતા.
આ પણ વાંચો: