નવી દિલ્હી: રાઉઝ એવન્યૂ ખાતે દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલ જમીન પર આમ આદમી પાર્ટી (AAP)એ પોતાની ઓફિસ બનાવી દીધી છે. આ ઘટનાની જાણ થતાં જ સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને આ ઓફિસ દૂર કરવાની સમય મર્યાદા વિશે પણ પુછ્યું છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, આ અતિક્રમણ છે... તમે કાયદો તમારા હાથમાં લઈ શકો નહીં. રાજકીય પક્ષ અતિક્રમણ કરે તે ચલાવી લેવાય નહી તેનો ઉકેલ લાવવો જ રહ્યો. આ અતિક્રમણની અસર દિલ્હી હાઈ કોર્ટને થઈ રહી છે. દિલ્હીવાસીઓના વિવાદોને ઉકેલવા માટે દિલ્હી હાઈ કોર્ટને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરુર છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી અને ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી 3 ન્યાયાધીશોની સંયુક્ત બેંચને એમિકસ ક્યુરી કે પરમેશ્વર દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટના અધિકારીઓને જમીનનો કબજો લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પરમેશ્વરે કહ્યું કે હવે આ સ્થળે એક રાજકીય પક્ષની ઓફિસ બનાવવામાં આવી છે.
CJIએ સરકારી વકીલને પૂછ્યું કે, તેઓ ક્યારે અતિક્રમણ હટાવશે. CJI અતિક્રમણના સમાચારથી નારાજ થયા હતા. તેમણે AAPની દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલને ચેતવણી આપી હતી કે જમીન હાઇકોર્ટને પાછી આપવી જ જોઈએ.
બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીના કાયદા વિભાગના અગ્ર સચિવ ભરત પરાશર આ બાબતથી વાકેફ છે. પરાશરે કહ્યું કે, રાજકીય પક્ષને કેબિનેટના ઠરાવ દ્વારા આ જમીનની ફાળવણી થઈ છે, પરંતુ હવે આ મામલો જમીન અને વિકાસ કાર્યાલય (L&DO) સમક્ષ આવ્યો છે. L&DO જમીનનો તે ભાગ સોંપવાની પ્રક્રિયામાં છે અને જમીનનો બીજો હિસ્સો રાજકીય પક્ષને ફાળવવાની પ્રક્રિયામાં છે.
પરાશરે બેન્ચને માહિતી આપી કે કેબિનેટના ઠરાવની તારીખ વર્ષ 2016ની છે. CJI એ પૂછ્યું કે, હાઈ કોર્ટને જમીન ફાળવવાની તારીખ કઈ છે? પરાશરે કહ્યું કે, હાઈ કોર્ટને ફાળવણીની તારીખ વર્ષ 2020ની છે. અમે L&DOને ચૂકવણી કરીને 2.42 એકરનો બાકીનો હિસ્સો પહેલેથી જ કબજો કરી લીધો છે. જેમાં એક ખાલી ભાગ, ઉપરાંત એક રોડ અને CPWD ઓફિસનો સમાવેશ થાય છે. બ્લોક 1 ત્યાં બાંધવામાં આવશે અને બ્લોક 2 તે જગ્યાએ હશે જ્યાં રાજકીય પક્ષની ઓફિસ અસ્તિત્વમાં છે.
સીજેઆઈએ વકીલને જમીન પર શું નિર્માણ થઈ રહ્યું છે તેના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવા કહ્યું. પરમેશ્વરે કહ્યું, અમારી પાસે વીડિયો છે. અમે કબજો લેવા ગયા અમને કબજો લેવાની મંજૂરી નહોતી અપાઈ. પરાશરે કહ્યું કે તે એક બંગલો હતો જે પહેલા પ્રધાનના કબજામાં હતો. જે હવે રાજકીય પક્ષ દ્વારા કબજો કરવામાં આવ્યો છે. હું આ મામલે રાજકારણ થાય તેવું ઈચ્છતો નથી. અમને કબજો મળ્યો નથી.
CJIએ આપ સરકાર વકીલને પૂછ્યું કે, આ કબજો દિલ્હી હાઈકોર્ટને ક્યારે આપવામાં આવશે. અમે કાંઈ ન્યાયાધીશોના બંગલા નથી માગી રહ્યા. અમે જાહેર સુવિધા માંગીએ છીએ. તેના પર રાજકીય પક્ષે અડિંગો જમાવ્યો છે. આ જમીન હાઈ કોર્ટને કેમ ન ફાળવી? જ્યારે તમે હાઈ કોર્ટને બિનજરૂરી કબજો આપશો ત્યારે અમને જણાવો. આનો અંત આવવો જ જોઈએ. હાઈ કોર્ટ તેનો ઉપયોગ દિલ્હીના રહેવાસીઓ માટે કોર્ટ સંકુલમાં આવીને તેમના વિવાદોને ઉકેલવા માટે કરશે.
સબમિશન બાદ સંયુક્ત બેન્ચે તેના આદેશમાં જણાવ્યું કે, સુનાવણી દરમિયાન અમને જિલ્લા ન્યાયતંત્રની માળખાકીય જરૂરિયાતોને લગતા દિલ્હી હાઈ કોર્ટના પ્રોજેક્ટ્સને લગતા વણ ઉકેલાયેલા મુદ્દાઓ વિશે જાણ કરવામાં આવી હતી. આ કોર્ટના અગાઉના આદેશ છતાં આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. કોર્ટને એ હકીકતથી વાકેફ કરવામાં આવે છે કે એક રાજકીય પક્ષની ઓફિસે હાઈ કોર્ટને ફાળવેલા એક ભાગ પર અતિક્રમણ કર્યું છે.
અમે GNCTDના મુખ્ય સચિવ અને જાહેર બાંધકામ વિભાગ (PWD)ના પ્રભારી સચિવ, નાણા સચિવને આદેશ આપીએ છીએ કે આ કોર્ટની આગામી સુનાવણી પહેલા તેઓ અને હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ સાથે એક બેઠક યોજવામાં આવે. જેથી આ કોર્ટના વધુ આદેશોની રાહ જોયા વિના તમામ બાકી મુદ્દાઓનું સમાધાન કરવામાં આવે છે.
CJI એ વકીલને PWD સેક્રેટરી, ચીફ સેક્રેટરી અને ફાઈનાન્સ સેક્રેટરીને હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલને મળવા અને તમામ મુદ્દાઓને ઉકેલવા જણાવવા કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સુનાવણીની આગામી તારીખે અતિક્રમણ દૂર કરવા માટે ચોક્કસ સમય મર્યાદાની રજૂઆત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં દેશભરના ન્યાયિક માળખાને લગતા કેસની સુનાવણી દરમિયાન આ મામલો સામે આવ્યો હતો.