નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના સંદેશખાલી ગામમાં થયેલી હિંસા મામલે કોર્ટની દેખરેખ હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસની માંગ કરતી PIL પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે સુનાવણી કરતા કોર્ટે વિશેષાધિકાર સમિતિની નોટિસ પર સ્ટે મુક્યો છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના DGP ને સમન્સ પાઠવ્યા છે. સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટનો ફેંસલો : સંસદની આચાર કમિટી દ્વારા પશ્ચિમ બંગાળના વરિષ્ઠ અધિકારીઓને બોલાવવા સામે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે લોકસભા સચિવાલય અને અન્યને પણ નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આગળની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલ જાહેર હિતની અરજીની પર જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ સુનાવણી કરી હતી. એડવોકેટ શ્રીવાસ્તવે અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઉલ્લેખ કર્યો હોવાથી સુપ્રીમ કોર્ટ તેની સુનાવણી કરવા સહમત થઈ હતી.
જાહેર હિતની અરજી : એડવોકેટ શ્રીવાસ્તવે તેમની વ્યક્તિગત ક્ષમતાથી દાખલ કરેલી અરજીમાં સંદેશખાલી હિંસાનો ભોગ બનેલા લોકો માટે વળતર અને ફરજમાં કથિત બેદરકારી બદલ પશ્ચિમ બંગાળ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ શ્રીવાસ્તવ અગાઉ પણ સામાજિક-રાજકીય મુદ્દાઓ ઉઠાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં PIL દાખલ કરતા આવ્યા છે.
આ અરજીમાં કેસની તપાસ અને ત્યારબાદ આ મામલાની સુનાવણી પશ્ચિમ બંગાળની બહાર ટ્રાન્સફર કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. એવી વિનંતી કરવામાં આવી છે કે મણિપુર હિંસા કેસની જેમ ત્રણ ન્યાયાધીશોની સમિતિએ તપાસ કરવી જોઈએ.
શું છે સંદેશખાલી હિંસા કેસ ? સંદેશખાલી, બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું એક ગામ છે. તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહિલાઓની કથિત જાતીય સતામણી મામલે ત્યાં વિરોધ થઈ રહ્યો છે. ઘણી સ્થાનિક મહિલાઓએ સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. શાહજહાં શેખ હાલમાં ફરાર છે.