હલ્દવાની (ઉત્તરાખંડ): પોલીસ ગુરુવારે હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં ઉપદ્રવ મચાવનારા ઉપદ્રવીઓ પર પોલીસ નજર રાખી રહી છે. પહેલાં કરતા વાતાવરણ થોડું શાંત થયું છે, પરંતુ પોલીસ પ્રશાસને કર્ફ્યૂમાં કોઈ રાહત આપી નથી. આ ઉપરાંત, ઉપદ્વવીઓને પહોંચી વળવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન સીએમ સિંહ ધામી હલ્દવાની પહોંચ્યા હતા અને ઘાયલોનાં ખબર-અંતર પુછ્યા હતાં. ત્યાર બાદ સીએમ ધામીએ અધિકારીઓ સાથે હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને હાની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. સાથે જ તેમણે ઉપદ્વવીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે.
સ્થિતિ નિયંત્રણમાં: નોંધનીય છે કે હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. પોલીસ શહેરમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને શકમંદોની પૂછપરછ કરી રહી છે. આ ઘટના બાદ પોલીસ પ્રશાસન સાવચેતીભર્યું પગલાં લઈ રહ્યું છે.હલ્દવાની હિંસા બાદ પોલીસે આ મામલે 5 હજાર અજાણ્યા લોકોની ધરપકડ કરી લીધી છે. DGP અભિનવ કુમારનું કહેવું છે કે, બદમાશો પર NSA (નેશનલ સિક્યુરિટી એક્ટ) પણ લગાવવામાં આવશે. જેના કારણે બદમાશોએ ભવિષ્યમાં આવી ઘટનાઓને અંજામ આપતા પહેલા ઘણી વખત વિચારવું જોઈએ.
શું હતો સમગ્ર મામલો: આપને જણાવી દઈએ કે, હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં આવેલા મલિકના બગીચામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે રીતે એક મસ્જિદ અને મદરેસા ચાલી રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને મદરેસા અને મસ્જિદ સંચાલકોને નોટિસ પાઠવી હતી અને તેમને ખાલી કરવા સૂચના આપી હતી. પરંતુ તેઓએ ખાલી ન કરતા ગુરુવારે પોલીસ-પ્રશાસનની ટીમ ભારે પોલીસ ફોર્સ અને જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને અહીંના કેટલાંક સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય લોકો પર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ, જિલ્લા પ્રશાસનના લોકો અને મીડિયાકર્મીઓ ઘાયલ થયા હતા, ત્યારબાદ હોબાળો વધી ગયો અને હિંસક ઘર્ષણ થયું હતું.
મહત્વપૂર્ણ છે કે, ગુરુવારે 8 ફેબ્રુઆરીએ હલ્દવાનીમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 5 થઈ ગયો છે. તેમજ 3 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોની સુશીલ તિવારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિંસામાં 300થી વધુ લોકો ઘાયલ થયા છે.