નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇમરજન્સી, NEET પેપર લીક અને લોકસભા ચૂંટણી 2024 સહિત વિવિધ મુદ્દાઓ પર પીએમ મોદી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ વખતે આવેલ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી પાઠ શીખવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આ પરિણામ વડાપ્રધાન મોદીની નૈતિક હાર છે.
ધ હિન્દુ અખબારમાં એક લેખ દ્વારા ઉઠાવ્યા પ્રશ્નો: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ધ હિન્દુ અખબારમાં એક લેખ દ્વારા આ મુદ્દે વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. તેમના લેખમાં તેમણે NEET પેપર લીક અને હેરાફેરી પર વાત કરી છે. તેમણે કહ્યું કે, જે દેશના વડાપ્રધાન પરીક્ષાની ચર્ચા કરતા હતા તે જ આજે પેપર લીક પર મૌન બેઠા છે. આ પરીક્ષાએ દેશના અનેક યુવાનોના જીવન સાથે રમત રમી છે. તે જ સમયે, સોનિયા ગાંધીએ તેમના લેખમાં લોકસભામાં કટોકટી પર સરકારના જે પ્રસ્તાવો આપ્યા છે તેનો પણ વળતો જવાબ આપ્યો છે.
મોદી સરકારને આડે હાથ લીધી: સોનિયા ગાંધીએ કહ્યું કે, 1977ની ચૂંટણીમાં દેશની જનતાએ ઈમરજન્સી પર પોતાનો ચુકાદો આપ્યો હતો, જેને કોઈ પણ ખચકાટ વિના સ્વીકારવામાં આવ્યો હતો. ત્રણ વર્ષમાં કોંગ્રેસને ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ મળ્યો, પરંતુ પીએમ મોદી અને તેમની પાર્ટી સાથે આવું ન થયું. આ પણ ઈતિહાસનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે, 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆતના એક સપ્તાહ બાદ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને આડે હાથ લીધી છે.
પીએમ સંઘર્ષને વધુ મહત્વ આપી રહ્યા છે: તેમણે લેખમાં આગળ લખ્યું છે કે, દેશના વડાપ્રધાન એવું વર્તન કરી રહ્યા છે કે જાણે કશું થયું જ નથી. તેઓ સર્વસંમતિ વચ્ચે સંઘર્ષને વધુ મહત્વ આપી રહ્યા છે. વિપક્ષો NEET પેપર લીક પર સરકારને ઘેરી હતી, તેના વિશે પ્રશ્નો કરી રહી હતી, પરંતુ તેમના માટે રાષ્ટ્રપતિના સંબોધન પ્રત્યે આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ હતી.