નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાર્ટીના ત્રણ મોટા નેતાઓ પહેલેથી જ તિહાર જેલમાં બંધ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDની કસ્ટડીમાં છે. શુક્રવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે મેગા-સ્વઇન્ડર સુકેશ ચંદ્રશેખર પાસેથી પ્રોટેક્શન મની તરીકે ₹10 કરોડની ઉચાપત કરવા બદલ CBI તપાસને મંજૂરી આપી હતી.
તિહારમાંથી ખંડણીનું રેકેટ : સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ પર તિહારમાંથી ખંડણીનું રેકેટ ચલાવવાનો અને હાઈ-પ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રોટેક્શન મની - ખંડણી માંગવાનો આરોપ છે. ગૃહ મંત્રાલયની આ મંજૂરી પર મોટા પાયા પર નજર રાખવામાં આવી રહી છે કારણ કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ED દ્વારા દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના અન્ય નેતાઓ પર જબરદસ્ત દબાણ થવાની આશંકા છે.
10 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આ મહિનાની શરૂઆતમાં દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન, તિહાર જેલના ભૂતપૂર્વ ડીજી સંદીપ ગોયલ અને જેલ અધિક્ષક રાજકુમાર વિરુદ્ધ CBI તપાસનો આદેશ આપ્યો હતો. ત્રણેય પર છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. એલજીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 17A હેઠળ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
જેલમાં સગવડો આપવાનો હેતુ : સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો હતો કે 2018 થી 2021 વચ્ચે તેમની પાસેથી 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. જેથી તે જેલમાં આરામથી જીવી શકે. સુકેશ અલગ-અલગ જેલમાં બંધ હતો ત્યારે તેને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જૈન આ સમયગાળા દરમિયાન આપ સરકારમાં જેલ મંત્રી હતા.