મુરૈનાઃ લોકસભા ચૂંટણીના 2જા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર વાકપ્રહારો કર્યા હતા. અત્યારે વારસાના કાયદાને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે ત્યારે બુધવારે મધ્યપ્રદેશના હરદા અને સાગરમાં આયોજિત જનસભામાં પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. ગુરુવારે મુરૈનામાં જાહેર સભામાં પીએમ મોદીએ વારસા કાયદાને લઈને કોંગ્રેસ પર ફરીથી વાકપ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધી પર વાકપ્રહારઃ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશભરમાં રાજકુમાર બડાઈ હાંકી રહ્યા છે કે તમારી પ્રોપર્ટીનો એક્સ-રે કરવામાં આવશે. તમારા તિજોરીમાં શું છે, શું કોઈ માતા-પિતા કે બહેને બોક્સમાં કંઈક રાખ્યું છે? તેની શોધ કરવામાં આવશે. તેનો એક્સ-રે કરીને તમને લૂંટવાનો પ્લાન બનાવી રહ્યા છે જ્યારે હું ગરીબીમાંથી બહાર કાઢવા આવ્યો છું.
કોંગ્રેસે દેશનું વિભાજન કર્યુઃ વડાપ્રધાને કહ્યું કે, આઝાદી સમયે કોંગ્રેસે ધર્મના નામે દેશના વિભાજનને સ્વીકાર્યુ હતું. દેશના ટુકડા કરી નાખ્યા. હજૂ પણ કોંગ્રેસ સુધરવા તૈયાર નથી. ભાજપ સરકાર જરૂરિયાતમંદોમાં ભેદભાવ કરતી નથી. કોવિડ દરમિયાન, 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન મળતું રહ્યું. ભાજપ સરકારે 4 કરોડ ગરીબોને કાયમી મકાનો આપ્યા છે. કોઈપણ ભેદભાવ વિના દરેક ધર્મના લોકોને આ મકાનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી વિકાસ વિરોધી છે તે મોટી સમસ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. તેમણે કર્ણાટકના તમામ મુસ્લિમ સમુદાયના લોકોને ઓબીસી જાહેર કર્યા છે.
ગાંધી પરિવાર અને વારસા કાયદોઃ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઈન્દિરા ગાંધીની સંપત્તિ રાજીવ ગાંધી પાસે જાય અને તેમની સંપત્તિ અને પૈસા બચાવવા માટે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધીએ વારસાના કાયદામાં ફેરફાર કરીને તેમની સંપત્તિ બચાવી હતી. અત્યારે પણ સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસ ફરીથી આ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે.
વારસાગત કર મુદ્દે આક્ષેપબાજીઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના થિંક ટેન્ક સામ પિત્રોડાએ નિવેદન આપ્યું હતું કે, તેમણે અમેરિકાના વારસાગત કરની હિમાયત કરી હતી. જો કે કોંગ્રેસે આ નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો હતો. આ મુદ્દે વડાપ્રધાન, અમિત શાહ, જેપી નડ્ડા સહિત તમામ દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને આડે હાથ લીધી છે.
વારસાગત કર શું છે?: વારસાગત કર અમેરિકામાં લાદવામાં આવેલો કર છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેની મિલકત તેના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, તે સમય દરમિયાન આ કર લાદવામાં આવે છે. મતલબ, આ ટેક્સ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકતની વહેંચણી પર લાદવામાં આવે છે. મિલકતના વિભાજન બાદ સંબંધિત પરિવારે સરકારને ટેક્સ સ્વરૂપે અમુક ભાગ ચૂકવવો પડે છે. આ ટેક્સનો હેતુ આવકની અસમાનતા ઘટાડવાનો છે.