નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે (21 મે) નવી દિલ્હીમાં વીર ભૂમિ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 33મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મી઼ડિયા હેન્ડલ x પર પોસ્ટ કર્યું, "આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર મારી શ્રદ્ધાંજલિ" ચિદમ્બરમ અને સચિન પાયલોટ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને અન્ય નેતાઓએ પણ રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર્વ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભારતના 7મા વડાપ્રધાન: ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધી 1984 થી 1989 સુધી ભારતના 7મા વડાપ્રધાન હતા. 1991માં શ્રીપેરુમ્બુદુરમાં LTTE દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. ગાંધીએ તેમની માતા અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં કોંગ્રેસની કમાન સંભાળી હતી. ઑક્ટોબર 1984 માં તેમણે પદ સંભાળ્યું ત્યારે તેઓ 40 વર્ષની વયે ભારતના સૌથી યુવા વડા પ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધીએ 2 ડિસેમ્બર, 1989 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
LTTE દ્વારા હત્યા કરવામાં આવી: 20 ઓગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન LTTEના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીની હત્યાની યાદમાં, ભારતીયો દર વર્ષે આ તારીખે આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરે છે.