ભાવનગર: ભાવનગર અમદાવાદ ધોલેરા શોર્ટ હાઇવે ઉપર સનેસ ગામ નજીક રાત્રિ દરમિયાન ચાલીને જતા પગપાળા યાત્રીકો ઉપર ટ્રક ફરી વળ્યો હતો. બનાવમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મૃત્યુ થયા છે.ત્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થતા 108 મારફત ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે ટ્રકને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખોડીયાર મંદિર ચાલીને જતા સંઘ પર ટ્રક ફરી વળ્યો: ભાવનગર જિલ્લાના અમદાવાદ ધોલેરા શોર્ટ હાઇવે રોડ ઉપર સનેસ ગામ નજીક હોટલ પાસે વહેલી સવારે 4 કલાકે ભાવનગર તરફ આવતા ટ્રક ચાલકે પગપાળા જતા યાત્રિકોના સંઘ ઉપર ટ્રક ચડાવી દેતા ત્રણ લોકોના સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યા હતા. ભાલપંથકના પીએસઆઇ એમસી ચુડાસમાએ જણાવ્યું હતું કે વહેલી સવારે ચાર કલાકની આ ઘટના છે. જેમાં ત્રણ લોકોના સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યા છે. જ્યારે ચાર જેટલા લોકોને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ટ્રકની પોલીસ તપાસ કરી રહી છે.
મહેમદાવાદના વરસાલાથી સંઘ નીકળ્યો હતો: મહેમદાબાદના વરસોલા ગામથી આ સંઘનો પ્રારંભ થયો હતો. ત્યારે સંઘ યોજનાર સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 9 તારીખના રોજ આ સંઘ વરસોલાથી નીકળ્યો હતો. આજે વહેલી સવારે ગણેશગઢ ગામથી ચા નાસ્તો કરીને આ સંઘના લોકો રસ્તાની એક તરફની રેલિંગ તરફ ચાલતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી આવીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.આ બનાવ ગણેશગઢ પાસે આવેલ ખોડીયાર હોટલ નજીક અને પેટ્રોલ પમ્પ સામે બનવા પામ્યો છે. જેમાં ત્રણ યાત્રિકોના સ્થળ ઉપર મૃત્યુ થયા છે, અને ચાર લોકો સર ટી હોસ્પિટલમાં સારવારમાં છે.
4 લોકોને ઈજા: ભાવનગર અમદાવાદ ધોલેરા શોર્ટ હાઇવે ઉપર બનેલા બનાવમાં મૃતકોને લઈને ભાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ સી ચુડાસમાએ મૌખિક નિવેદનમાં જણાવ્યું હતું કે વહેલી સવારે 4 કલાકે સનેસ ગામ પાસે હાઇવે ઉપર ખોડિયાર હોટલ નજીક પેટ્રોલ પમ્પ સામે અજાણ્યા ટ્રક ચાલક સંઘને અડફેટે લઈ ફરાર થઇ ગયો છે. આ સંઘ ખોડિયાર માતાજીના મંદિરે જતો હતો. મૃતકોમાં પ્રતાપસિંહ ભીમસિંહ ચૌહાણ, વરસોલા ગામ, વિજય ધીરુભાઈ ગઢવી, ધીરુભાઈ ઉદેસંગભાઈ ચૌહાણ પિતાપુત્ર, ચંદ્રાસર ગામ આમ ત્રણ લોકોના સ્થળ પર મોત થયા છે. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તમાં બકાભાઈ છોટાભાઈ પટેલ, બાબુભાઇ બચુભાઇ ડાભી, મેલાભાઈ કનુભાઈ ડાભી, ગુલાબસિંહ સાભયભાઈ રાઠોડ, વરસોલાના રહેવાસી સર ટી હોસ્પિટલમાં સારવારમાં છે. ટ્રકને પોલીસે કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છેે.