બારડોલી: બારડોલી-મહુવા રોડ ઉપર આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના પ્રોફેસરનું હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. તેઓ મેદાન પર ચાલતી ઇન્ટર ક્લાસ ક્રિકેટ જોતા જોતા હતા ત્યારે તેઓ અચાનક ઢળી પડયા હતા.
ક્રિકેટ મેચ જોતી વખતે ઢળી પડ્યા
મંગળવારના રોજ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસ મુકામે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ક્રિકેટ મેચ ચાલુ હતી અને બાયોટેક વિભાગના પ્રોફેસર ઋષભ શાહ ઉ .વ.30 બાઉન્ડ્રી લાઇન બહાર વિદ્યાર્થીઓની રમત જોઈ રહ્યા હતા. આ સમયે એક ખેલાડીએ મારેલો શોટ તેમની નજીક આવતા તેમણે બોલ પકડીને બોલર સામે પાછો ફેંક્યો હતો. આ સમયે પ્રોફેસર અચાનક પોતાના સ્થાન ઉપર ઢળી પડતા તેમને તાત્કાલિક બારડોલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મુકામે સારવાર માટે લઈ જવાયા હતા.
યુનિવર્સીટી કેમ્પસમાં ગમગીની છવાઈ
જ્યાં પ્રાથમિક તપાસ દરમિયાન ફરજ ઉપરના તબીબે પ્રોફેસરનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું નિદાન કરતા માલીબા કેમ્પસના વાતાવરણમાં સન્નાટા સાથે ગમગીની છવાઈ હતી. તરસાડીયા યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં વિદ્યાર્થીઓના માનીતા અને માંડવીના રહીશ પ્રોફેસર ઋષભ શાહના મૃત્યુ ના સમાચાર વાયુવેગે ફેલાતા શોકનું વાતાવરણ જણાતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ વિધિ સહિત જરૂરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.