નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલા બાદ યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને આતંકવાદ વિરોધી કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદીએ બેઠકમાં આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ આતંકવાદી હુમલા અંગે વાત કરી હતી અને ઘાટીમાં સુરક્ષા દળોની તૈનાતી અને એક્શન પ્લાન વિશે માહિતી લીધી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પીએમ મોદીને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે અને સ્થાનિક પ્રશાસનના પ્રયાસોની પણ જાણકારી આપી છે.
જમ્મુ-કાશ્મીરના રિયાસી, કુથુઆ અને ડોડા જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં ચાર આતંકવાદી હુમલા થયા છે. આ આતંકી હુમલામાં CRPF જવાન સહિત 10 લોકોના મોત થયા છે. ઘણા સુરક્ષાકર્મીઓ અને અન્ય લોકો ઘાયલ પણ થયા છે. 9 જૂને આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસને નિશાન બનાવી હતી, જેમાં નવ લોકોના મોત થયા હતા.
ડોડા જિલ્લામાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. પોલીસે આ આતંકવાદીઓ વિશે નક્કર માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.