નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ' ગેરંટી ' આપે છે. બજેટ પછી તેમના ટેલિવિઝન સંબોધનમાં તેમણે કહ્યું કે તે વિકસિત ભારતના ચાર સ્તંભો યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. તેમણે કહ્યું, આ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે 'આ બજેટ છે જે ભારતના ભવિષ્યને ઘડશે.'
રોજગારીની અસંખ્ય તકો ઊભી કરશે : સંશોધન અને નવીનતા માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળની જાહેરાતને ટાંકીને તેમણે કહ્યું કે 'ઐતિહાસિક' બજેટમાં સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખીને 11.11 લાખ કરોડ રૂપિયાના જંગી મૂડી ખર્ચની જોગવાઈ છે. તેમણે કહ્યું કે બજેટ ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવે છે અને યુવાનો માટે રોજગારીની અસંખ્ય તકો ઊભી કરશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ફાળવણી વધારી : નોંધનીય છે કે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા વચગાળાના બજેટ 2024-25માં આર્થિક વૃદ્ધિ અને સમાવેશી વિકાસ પર ભાર મૂકીને રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર રહેવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રીએ આર્થિક વિકાસને વેગ આપવા માટે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સરકારના મૂડી ખર્ચમાં વધારો કરતી વખતે 2024-25 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ઘટાડીને જીડીપીના 5.1 ટકા કર્યો છે. ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ટેક્સ કલેક્શનમાં મજબૂત વધારાને કારણે આ શક્ય બન્યું છે. 2024-25માં હાથ ધરવામાં આવનાર મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ફાળવણી વધારીને રૂ. 11.1 લાખ કરોડ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 11.1 ટકા વધુ છે.
આર્થિક વિકાસને વધુ વેગ આપશે : સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂ. 14.13 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ચોખ્ખી માર્કેટ બોરોઇંગ રૂ. 1.75 લાખ કરોડ રાખવાની દરખાસ્ત છે, જે 2023-24ના અનુરૂપ આંકડા કરતાં ઓછી છે. તેમના વચગાળાના બજેટ ભાષણમાં, નાણાંપ્રધાને નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 'સરકાર દ્વારા ઓછા બજાર ઉધારથી ખાનગી ક્ષેત્રના કોર્પોરેટ્સને રોકાણ માટે લોન મેળવવા માટે વધુ નાણાં મળશે, જે દેશના આર્થિક વિકાસને વધુ વેગ આપશે.'