નવી દિલ્હીઃ પશ્ચિમ દિલ્હીના ખયાલા પોલીસ સ્ટેશન વિસ્તારના રવિ નગરમાં નવજાત બાળકીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. 6 દિવસની માસૂમ બાળકીની હત્યાના આરોપમાં બાળકીની માતાની ધરપકડ કરવામાં આવી છે.
પશ્ચિમ જિલ્લાના ડીસીપી વિચિત્ર વીર પાસેથી મળેલી માહિતી અનુસાર, સવારે સાડા પાંચ વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો જેમાં 6 દિવસની બાળકી ખોવાઈ ગયાની માહિતી આપવામાં આવી હતી. બાબતની ગંભીરતા જોઈને પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ દરમિયાન બાળકીની માતા કે જે લગભગ 28 વર્ષની છે તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે ગઈકાલે રાત્રે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે આવી હતી અને લગભગ 2:30 વાગ્યાના આસપાસ તે તેની સાથે બાળકીને લઈને સૂઈ ગઈ હતી, પરંતુ જ્યારે તે સવારે 4:30 વાગ્યાની આસપાસ જાગી ત્યારે બાળકી તેની સાથે ન હતી.
ટાંકા કાઢવાના બહાને ઘરની બહાર નીકળી: પોલીસે તરત જ બાળકીની શોધ માટે ટીમો બનાવી અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા. પોલીસ તપાસ ચાલી રહી હતી ત્યારે માતાએ પોલીસને જણાવ્યું કે, તેને ટાંકા લેવા માટે હોસ્પિટલમાં જવાનું છે આ સાંભળીને પોલીસને આશ્ચર્ય થયું પણ તેમણે માતાને હોસ્પિટલ જવા જવા દીધી.
બેગ ખોલતાં તેમાંથી બાળકીની ડેડ બોડી મળી: આ સમય દરમિયાન, પોલીસે આજુબાજુની અગાસી પણ તપાસી, પોલીસે ઘરની બાજુમાં એક માળના મકાનની અગાસી પર એક બેગ જોઈ અને તેની તપાસ કરી, બેગ ખોલતાં તેમાંથી બાળકીની ડેડ બોડી મળી આવી હતી. બાળકીની માતા ઉપર શંકા જતાં તરત જ પોલીસની ટીમને હોસ્પિટલ, નજીકના બસ સ્ટોપ, મેટ્રો સ્ટેશન અને તેના સાસરિયાના ઘરે મોકલવામાં આવી. આ દરમિયાન મહિલા પોલીસના હાથમાં આવી ગઈ અને પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે પોતાની જ પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
બાળકીને પહેલા દૂધ પીવડાવ્યું અને પછી તેનું ગળું દબાવ્યું: પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જે માહિતી આપી તે ચોંકાવનારી હતી. તેણીએ જણાવ્યું કે, આ તેની ચોથી પુત્રી હતી જેમાંથી બેનું અવસાન થઈ ચૂક્યું હતું અને સતત છોકરીને જન્મ આપ્યો હોવાને કારણે તે સમાજમાં ઘણી બધી વાતો સાંભળતી હતી. વધુમાં જણાવતા તેણે કહ્યું કે, રાત્રે જ્યારે તે પોતાના બાળકને દૂધ પીવડાવતી હતી ત્યારે તે ખૂબ જ અપરાધભાવ અનુભવી રહી હતી. આ પછી તેણે બાળકીનું ગળું દબાવી દીધું. કોથળામાં મૂકીને બાજુની અગાસી પર ફેંકી દીધી. તેણે પરિવારના કોઈ સભ્યને આ અંગે જાણ કરી ન હતી. પરિવારજનોને જણાવ્યું કે બાળકી ગુમ થઈ ગઈ છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ હત્યા પાછળનું વધુ નક્કર કારણ જાણવા મળી રહ્યું છે.