મુંબઈ: આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ (NMAJS) અને નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ અર્લી ઈયર્સ કેમ્પસનો (NMAJS EYC) સમાવેશ થાય છે. આનાથી મુંબઈ શહેરમાં નવતર અને ભવિષ્યલક્ષી શૈક્ષણિક અનુભૂતિનો સૂર્યોદય થયો હોવાનું સંસ્થાનું માનવું છે.
કેવી છે આ શાળાઃ આ અંગે જાણકારી આપતા NMAJS સંસ્થા જણાવે છે કે, આશરે 3 લાખ ચોરસ ફીટના બાંધકામ ક્ષેત્રફળમાં ફેલાયેલી, NMAJSમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શિક્ષણ (વર્ગ 1થી 7) પર ધ્યાન કેન્દ્રિત કરાશે જ્યારે 30,000 ચોરસ ફીટના ક્ષેત્રફળમાં ફેલાયેલા અર્લી યર કેમ્પસમાં પ્રિ-સ્કૂલ અને કિન્ડરગાર્ટન શિક્ષણ સુવિધા અપાશે. બીકેસીમાં જ આવેલી ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS)માં ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ આપવાનું કાર્ય નિરંતર રીતે ચાલુ છે.
1000થી વધુ વિદ્યાર્થીઓઃ આ ત્રણેય સંસ્થામાં સાથે મળીને 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની સાથે સાર્વત્રિક અને ભવિષ્ય માટે તૈયાર કરનારું શિક્ષણ પ્રાપ્ત કરશે. NMAJSના વાઈસ-ચેરપર્સન તેમજ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના (DAIS) પૂર્વ વિદ્યાર્થીની ઈશા અંબાણી પિરામલે NMAJS સ્કૂલનું નેતૃત્ત્વ સંભાળતા તેની કલ્પના રજૂ કરી છે. NMAJS પ્રોજેક્ટ એ વિદ્યાર્થીઓની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો સંતોષવાની સાથે તેમને શીખવાની શૈલી પૂરી પાડે તેવી સંસ્થાનું સર્જન કરવાના તેમના વિચારોને પરાવર્તિત કરે છે. સાથે તેનાથી બાળકો પણ મોટા થઈને તેમની સંપૂર્ણ ક્ષમતાને નિખારવા પ્રેરિત તથા પ્રોત્સાહિત થશે. તેવું પણ સંસ્થાનું માનવું છે.
શું કહે છે ઈશા અંબાણી પિરામલઃ આ ઉદઘાટન સમારોહમાં ઈશા અંબાણી પિરામલે જણાવ્યું હતું કે, “મેં એવા સ્થળનું સર્જન કરવાનું સ્વપ્ન જોયું હતું કે જે આપણને સહુને આપણી લાગણીસભર શ્રેષ્ઠતમ સહિયારા પ્રયાસો કરવા માટે પ્રેરિત કરે, જેનાથી એકબીજા સાથે મળીને એક મજબૂત અને મુક્ત સમુદાયની રચના કરી શકાય. આ સ્કૂલનું પારદર્શી સ્થાપત્ય તેનો પૂરાવો આપે છે. અહીં માત્ર શીખવા નહીં પણ સાથે મળીને વિકાસ પામવા તેમજ શ્રેષ્ઠ વ્યક્તિ બનવા પર ભાર અપાય છે.”
સ્કૂલની વિશેષતા અંગે શું કહ્યું ઈશાએઃ બાળકોમાં ઉત્સાહ, જુગુપ્સા અને મૂલ્યોની માવજત કરવાના મહત્ત્વ પર ભાર મૂકતા ઈશાએ જણાવ્યું હતું કે, “આનાથી તેઓ આજીવન કાંઈક ને કાંઈક શીખતા રહેશે. આ નવા સ્થળે તમે તમારા મિત્રો અને શિક્ષકો સાથે સહયોગ સાધીને સતત કશુંક નવું રચતા અને નિર્માણ કરતા રહેશો. આ સ્કૂલની વિશેષતા છે પારદર્શિતા, જ્યારે દિવાલો પારદર્શક હોય ત્યારે આપણે પ્રમાણિકતા, સચ્ચાઇ, આદર અને કરુણા સહિતના મૂલ્યો સાથે આપણે જીવવાનું હોય છે. ભવિષ્ય જ્યાં પણ લઇ જાય પરંતુ બાળકો તમારે તમારી સાથે આ જગ્યાએથી જીવનમાં શીખવાની અને આગળ વધવાની કળા લઇને જવાનું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “હું પણ મારી માતા પાસેથી જ શીખી છું કે બીજાના જીવનમાં તમે કોઈ પરિવર્તન લાવો છો તો તેનાથી મોટો શિરપાવ તમારા માટે બીજો કાંઈ નથી.
શું કહે છે નીતા અંબાણીઃ આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે પાછું વળીને જોઈએ છીએ તો અમને બે દાયકાની અમારી કામગીરી દેખાય છે. જેમાં અમે DAISનું એક ખુશીઓ ભરેલી સ્કૂલ તરીકે નિર્માણ કરવામાં સફળ રહી શક્યા કે, જ્યાં હંમેશા સર્વોત્તમતાની સંસ્કૃતિ જોવા મળી. અહીં અમે પોતાના સ્વરૂપને સતત નવતર અને આર્ષદૃષ્ટા બનાવતા ગયા. આ રીતે જ અમે NMAJSનું પણ અનંત શિક્ષણના મંદિર તરીકે નિર્માણ કરવા કટિબદ્ધ છીએ.”