નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે 13 જૂન, ગુરુવારના રોજ વિવાદોથી ઘેરાયેલી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 સંબંધિત ત્રણ અરજીઓની સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે તે NEET-UG 2024 ની કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાઉન્સેલિંગ ચાલુ રહેશે અને અમે તેને રોકીશું નહીં. જો પરીક્ષા પર કોઈ નિર્ણય આવશે તો બધું પૂર્ણ રીતે સ્થગિત થઈ જશે. તેથી ડરવાની કોઈ વાત નથી.
NTA દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય : ગ્રેસ માર્ક્સ મામલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, NTA દ્વારા 1,563 વિદ્યાર્થીઓને NEET-UG પરીક્ષા દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા, આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તેઓને 23 જૂને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો વિકલ્પ આપી અને પુનઃ પરીક્ષા લેવામાં આવશે, જેના પરિણામ 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે. આ ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : અરજદાર અને ફિઝિક્સ વાલાના CEO અલખ પાંડેએ કહ્યું કે, NTA એ સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ ખોટા હતા. તેઓ સંમત થયા કે આનાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ પેદા થયો અને તેઓ ગ્રેસ માર્ક્સ હટાવી દેશે. હવે પ્રશ્ન એ છે કે શું NTAમાં અન્ય કોઈ વિસંગતતાઓ છે જેના વિશે અમને જાણ નથી. તેથી NTA સાથે વિશ્વાસનો મુદ્દો છે. પેપર લીકનો મુદ્દો ખુલ્લો છે અને તેના પર સુનાવણી ચાલુ રહેશે.
શું હતો મામલો ? તમને જણાવી દઈએ કે NEET-UG પરીક્ષા MBBS, BDS અને અન્ય કોર્સ માટે લેવામાં આવે છે. અહેવાલ મુજબ ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને સંદીપ મહેતાની વેકેશન બેન્ચ રાષ્ટ્રીય પાત્રતા-કમ-પ્રવેશ પરીક્ષા-અંડરગ્રેજ્યુએટ 2024 ના આયોજન લગતી અરજીઓની સુનાવણી કરશે. આ વર્ષે કુલ 67 વિદ્યાર્થીઓએ પરફેક્ટ 720 માર્ક્સ મેળવ્યા છે. હરિયાણામાં ફરીદાબાદ અનિયમિતતાની શંકાને કારણે સમાચારમાં હતું, કારણ કે એક જ કેન્દ્રના છ ઉમેદવારોના નામ પરફેક્ટ 720 ની યાદીમાં સામેલ હતા.
ફિઝિક્સ વાલાએ કરી અરજી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 1,500 થી વધુ ઉમેદવારોને કથિત રીતે ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા, જેના વિરોધમાં એડટેક ફર્મ 'ફિઝિક્સ વાલા' CEO અલખ પાંડેએ અરજી કરી હતી. આ અરજીમાં અલખ પાંડેએ સર્વોચ્ચ અદાલતને NEET (UG) 2024 ની પરીક્ષા પ્રક્રિયા અને પરિણામોની તપાસ કરવા માટે તેની દેખરેખ હેઠળ નિષ્ણાત પેનલની રચના કરવા વિનંતી કરી હતી.