હરિયાણા : લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કુરુક્ષેત્રના BJP સાંસદ નાયબ સૈનીને હરિયાણાના આગામી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. આજે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ અનિલ વિજ અધવચ્ચે જ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા, કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપના આ નિર્ણયથી નારાજ છે.
હરિયાણાના નવા CM : હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટવાની કગાર પર છે. હરિયાણા કેબિનેટે આજે સામૂહિક રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે હરિયાણામાં નવી સરકાર બની છે અને હરિયાણા રાજભવનના કોન્ફરન્સ રૂમમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ કરવામાં આવી છે. વિધાયક દળની બેઠકમાં મનોહર લાલના સ્થાને નાયબ સૈનીને નવા મુખ્યપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે.
કોણ છે નાયબસિંહ સૈની : નાયબ સિંહ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી 1970 ના રોજ અંબાલાના નાનકડા ગામ મિઝાપુર માજરામાં થયો હતો. તેમણે BA અને LLB ની ડિગ્રી મેળવી છે. નાયબ સિંહ તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. જ્યાં તેઓ મનોહરલાલ ખટ્ટરને મળ્યા અને થોડા સમય પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. આમ તેમની રાજકીય સફર શરૂ થઈ. નાયબ સૈની શરૂઆતથી જ મનોહરલાલની નજીક છે.
નાયબ સૈનીની રાજકીય સફર : નાયાબ સિંહ સૈની વર્ષ 2002માં BJP યુવા મોરચાની અંબાલા શાખાના જિલ્લા મહાસચિવ બન્યા અને વર્ષ 2005માં તેઓ ભાજપના અંબાલા યુવા મોરચાના અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 2009માં નાયબ સિંહને હરિયાણા ભાજપના કિસાન મોરચાના રાજ્ય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2012માં તેમને અંબાલા જિલ્લાના BJP અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 માં નાયાબ સિંહ સૈની નારાયણગઢ વિધાનસભાથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા અને વર્ષ 2016માં તેમને હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સાંસદ બન્યા બાદ તેમને હરિયાણા BJP અધ્યક્ષની જવાબદારી પણ આપવામાં આવી હતી. આજે 12 માર્ચ, 2024 ના રોજ તેઓ ભાજપના ધારાસભ્ય દળે મુખ્યપ્રધાન તરીકે ચૂંટ્યા છે.