નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં જાણે કે, અસામાજીક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો તેમ લાગી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર ગણાતા ગ્રેટર કૈલાશમાં, ગુરુવારે મોડી રાત્રે, કેટલાંક અસામાજીક તત્વોએ એક જીમ માલિક પર ગોળીબાર કર્યો જ્યારે તે જીમ બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો.
જીમ સંચાલકને વાગી પાંચ ગોળી: આ ઘટનામાં જીમ માલિકને પાંચ ગોળીઓ વાગી હતી અને ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ડોક્ટરોએ જીમ માલિકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પીસીઆર ઉપરાંત સ્થાનિક પોલીસ, ક્રાઈમ ટીમ, એફએસએલ ટીમ અને ડીસીપી અંકિત ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
સ્કૂટી પર આવ્યા હતા બદમાશો: ઘટનાસ્થળે હાજર રહેલા RWA પ્રમુખ રાજેન્દ્ર શારદાએ જણાવ્યું હતું કે બે યુવકો સ્કૂટી પર આવ્યા હતા, જેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. લગભગ બાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નાદિર અહેમદે 5-6 મહિના પહેલા જ અહીં જિમ ખોલ્યું હતું. જ્યારે તે જીમ બંધ કરીને કારમાં જવા લાગ્યો ત્યારે સ્કૂટી સવાર બદમાશોએ તેના પર ફાયરિંગ કર્યું અને ત્યાંથી ભાગી ગયા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે. આ કેસના ઉકેલ માટે પોલીસની પાંચ ટીમો બનાવવામાં આવી છે. ડીસીપીએ કહ્યું કે ટૂંક સમયમાં આ કેસમાં અન્ય માહિતી બહાર આવશે.
10:45 વાગ્યે એ બ્લોક સ્થિત જિમની બહાર ફાયરિંગ થયાના અહેવાલ મળ્યા હતા. જીમના માલિકનું નામ નાદિર અહેમદ શાહ હોવાનું બહાર આવ્યું છે, જે ભાગીદારીમાં જીમ ચલાવતો હતો. જો કે, તે પરસ્પર અદાવતનો મામલો છે કે અન્ય કોઈ બાબતની જાણ થઈ નથી. સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. - ડીસીપી અંકિત ચૌહાણ