હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં ગઈકાલે (6 ફેબ્રુઆરી) અચાનક પ્રચંડ વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. આસપાસના ઘણા મકાનો આગની લપેટમાં આવી ગયા હોવાના પણ અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ શહેરના મગરધા રોડ પર આ ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ચાલતુ હતું. ફેક્ટરીમાં ફટાકડા માટેનો ગનપાઉડરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો અને ભીષણ આગ લાગી હતી. 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોતની થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે.
દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા: આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતાં. ફેક્ટરીમાંથી જોરદાર વિસ્ફોટ અને આગની જ્વાળાઓના કારણે અરાજકતાનો માહોલ ફેલાયો હતો. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. તો બીજી તરફ પોલીસે આ મામલે ફેક્ટરીના સંચાલક રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલની ધરપકડ કરી છે જ્યારે આ મામલે રફિક ખાન નામના વ્યક્તિની પુછપરછ કરવામાં આવી રહી છે.
ક્યારે સર્જાય દુર્ઘટના: હરદાના મગરધા રોડ પર આવેલા બૈરાગઢ ગામમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે (6 ફેબ્રુઆરી) બપોરે વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી સર્જાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત આસપાસના 50 થી વધુ રહેવાસીઓના ઘર પણ આગની લપેટમાં આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેઓએ વિસ્તારમાં કેટલાક લોકોના મૃતદેહો પણ જોયા હતા. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તમામ ઘાયલોને જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નજીકના લોકોને તેમના ઘર ખાલી કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હતો.