હૈદરાબાદ : લોકસભા ચૂંટણી 2024 ના છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ કુલ 58 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં હરિયાણાની તમામ 10 અને દિલ્હીની 7 બેઠક સામેલ છે. આ સિવાય ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળ અને બિહારની 8-8, ઓડિશાની 6, ઝારખંડની 4 અને જમ્મુ-કાશ્મીરની અનંતનાગ લોકસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે. અગાઉ અનંતનાગ બેઠક પર 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું હતું. પરંતુ રાજકીય પક્ષોની વિનંતી પર ચૂંટણી પંચે જમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાનની તારીખ 25 મે સુધી લંબાવી હતી.
કલંકિત ઉમેદવાર : ADR ના રિપોર્ટ અનુસાર છઠ્ઠા તબક્કામાં 58 બેઠક માટે 889 ઉમેદવારો મેદાનમાં છે. ADR એ કુલ 889 ઉમેદવારોમાંથી 866 ના ચૂંટણી એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. જે મુજબ છઠ્ઠા તબક્કામાં 180 (21 ટકા) ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. તેમાંથી 141 (16 ટકા) સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે. કલંકિત ઉમેદવારોમાંથી 12 ને કોર્ટ દ્વારા એક યા બીજા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
- 6 ઉમેદવારો સામે હત્યા જેવા ગંભીર ગુના હેઠળ કેસ
- 21 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસનો કેસ
- 24 ઉમેદવારો સામે મહિલાઓ પર અત્યાચારનો કેસ
- 3 ઉમેદવારો સામે મહિલા પર બળાત્કારના આરોપનો કેસ
- 16 ઉમેદવારો સામે ભડકાઉ ભાષણ સંબંધિત કલમ હેઠળ કેસ
AAP ના તમામ ઉમેદવારો કલંકિત : ADR ના રિપોર્ટ અનુસાર છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના (AAP) તમામ 5 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ભાજપના 51માંથી 28 ઉમેદવારો કલંકિત છે. એ જ રીતે કોંગ્રેસના 25 ઉમેદવારોમાંથી 8, RJD ના 4, સમાજવાદી પાર્ટીના 9, TMC ના 4 અને BJD ના 2 ઉમેદવારો ગુનાહિત છબી ધરાવે છે.
39 ટકા ઉમેદવાર કરોડપતિ : આ તબક્કામાં કુલ 866 માંથી 338 (39 ટકા) ઉમેદવાર કરોડપતિ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમામ પક્ષોએ મની પાવર ધરાવતા નેતાઓ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 6.21 કરોડથી વધુ છે. ADR ના રિપોર્ટ અનુસાર ભાજપના 51માંથી 48 ઉમેદવાર કરોડપતિ છે. કોંગ્રેસના 25માંથી 20, સમાજવાદી પાર્ટીના 11, TMC ના 7, BJD ના 6 અને RJD, JDU અને આપના 4-4 ઉમેદવારો કરોડપતિ છે.
ભાજપના નવીન જિંદાલ સૌથી ધનવાન : લોકસભા ચૂંટણી 2024 ના છઠ્ઠા તબક્કામાં ઉદ્યોગપતિ નવીન જિંદાલ સૌથી અમીર ઉમેદવાર છે. હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા સીટ પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા જિંદાલની કુલ સંપત્તિ 1,241 કરોડ રૂપિયાથી વધુ છે. ઓડિશાની કટક સીટ પરથી ભાજપના ઉમેદવાર સંતૃપ્ત મિશ્રા બીજા સૌથી ધનિક ઉમેદવાર છે, જેમણે પોતાની કુલ સંપત્તિ 482 કરોડ રૂપિયાથી વધુ જાહેર કરી છે. હરિયાણાના કુરૂક્ષેત્રથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ડો. સુશીલ ગુપ્તા 169 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ત્રીજા સૌથી અમીર ઉમેદવાર છે.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત : છઠ્ઠા તબક્કામાં 332 ઉમેદવારો ધોરણ 5 થી 12 પાસ છે. 487 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ છે. 22 ઉમેદવારો ડિપ્લોમા ધારક છે. 12 ઉમેદવારોએ પોતાને માત્ર શિક્ષિત જાહેર કર્યા છે, જ્યારે 13 ઉમેદવાર અશિક્ષિત હોવાનું જણાવે છે.
દિલ્હીની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- નવી દિલ્હી : બાંસુરી સ્વરાજ (ભાજપ) અને સોમનાથ ભારતી (આપ)
- ઉત્તર-પૂર્વ દિલ્હી : મનોજ તિવારી (ભાજપ) અને કન્હૈયા કુમાર (કોંગ્રેસ)
- ઉત્તર-પશ્ચિમ દિલ્હી : ઉદિત રાજ (કોંગ્રેસ) અને યોગેન્દ્ર ચંદોલિયા (ભાજપ)
- ચાંદની ચોક : પ્રવીણ ખંડેલવાલ (ભાજપ) અને જયપ્રકાશ અગ્રવાલ (કોંગ્રેસ)
હરિયાણાની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- કરનાલ : પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર (ભાજપ) અને સતપાલ બ્રહ્મચારી (કોંગ્રેસ)
- કુરુક્ષેત્ર : નવીન જિંદાલ (ભાજપ) અને સુશીલ ગુપ્તા (આપ)
- ગુડગાંવ : રાવ ઈન્દ્રજીતસિંહ (ભાજપ) અને રાજ બબ્બર (કોંગ્રેસ)
- રોહતક : દીપેન્દ્રસિંહ હુડ્ડા (કોંગ્રેસ) અને અરવિંદકુમાર શર્મા (ભાજપ)
ઓડિશાની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- ભુવનેશ્વર : અપરાજિતા સારંગી (BJP) અને મન્મથ રાઉત્રે (BJD)
- પુરી : સંબિત પાત્રા (BJP) અને અરૂપ પટનાયક (BJD)
- સંબલપુર : ધર્મેન્દ્ર પ્રધાન (BJP) અને પ્રણવ પ્રકાશ દાસ (BJD)
બિહારની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- વાલ્મિકી નગર : સુનીલકુમાર કુશવાહા (JDU) અને દીપક યાદવ (RJD)
- પશ્ચિમ ચંપારણ : સંજય જયસ્વાલ (BJP) અને મદન મોહન તિવારી (કોંગ્રેસ)
- પૂર્વ ચંપારણ : રાધા મોહન સિંહ (BJP) અને રાજેશ કુશવાહા (VIP)
- ગોપાલગંજ : આલોકકુમાર સુમન (JDU) અને પ્રેમનાથ ચંચલ (VIP)
ઉત્તરપ્રદેશની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- સુલ્તાનપુર : મેનકા ગાંધી (ભાજપ) અને રામભુઆલ નિષાદ (SP)
- આઝમગઢ : દિનેશલાલ યાદવ 'નિરહુઆ' (ભાજપ) અને ધર્મેન્દ્ર યાદવ (SP)
- અલ્હાબાદ : ઉજ્જવલ રેવતી રમણસિંહ (કોંગ્રેસ) અને નીરજ ત્રિપાઠી (ભાજપ)
- જૌનપુર : કૃપાશંકરસિંહ (ભાજપ) અને બાબુસિંહ કુશવાહા (SP)
પશ્ચિમ બંગાળની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- તમલુક : અભિજિત ગંગોપાધ્યાય (BJP) અને દેવાંશુ ભટ્ટાચાર્ય (TMC)
- ઝારગ્રામ : કાલિપદ સોરેન (TMC) અને પ્રણત ટુડુ (BJP)
- મેદિનીપુર : અગ્નિમિત્રા પોલ (ભાજપ) અને જૂન માલિયા (TMC)
ઝારખંડની મુખ્ય બેઠકો અને ઉમેદવારો :
- રાંચી : સંજય સેઠ (ભાજપ) અને યશસ્વિની સહાય (કોંગ્રેસ)
- જમશેદપુર : સમીર મોહંતી (JMM) અને વિદ્યુત બરન મહતો (BJP)
- ગિરિડીહ : ચંદ્ર પ્રકાશ ચૌધરી (AJSU) અને મથુરા પ્રસાદ મહતો (JMM)
જમ્મુ અને કાશ્મીરની મુખ્ય બેઠક :
- અનંતનાગ-રાજૌરી : મહેબૂબા મુફ્તી (PDP) અને મિયાં અલ્તાફ અહેમદ (નેશનલ કોન્ફરન્સ)