બેંગલુરુ: કર્ણાટકમાં 14 લોકસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચની ટીમે ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. ચિક્કબલ્લાપુરાની ફ્લાઈંગ સ્કવોડે યેલાહંકાના એક ઘરમાંથી આ રોકડ જપ્ત કરી હતી. આ મામલામાં ચિક્કબલ્લાપુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કે. સુધાકર વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. સુધાકર વિરુદ્ધ આદર્શ આચારસંહિતા ભંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. ચિક્કબલ્લાપુરા મતવિસ્તારમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે.
ભાજપના ઉમેદવાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ ટ્વિટર પર જણાવ્યું કે,ચિક્કબલ્લાપુરાની ફ્લાઈંગ સ્કવોડે 4.8 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ચિક્કબલ્લાપુરા મતવિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ભાજપના ઉમેદવાર કે. સુધાકર વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. CEOએ કહ્યું કે, સુધાકર વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 અને IPCની કલમ 171 (B,C,E,F) હેઠળ લાંચ લેવા અને મતદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી: ચૂંટણી અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, દરોડા દરમિયાન ગોવિંદપ્પાના ઘરેથી 500 રૂપિયાના ઘણા બંડલ મળી આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓએ પૈસા અંગે ઘરના માલિક ગોવિંદપ્પાની પૂછપરછ કરી હતી. આ પછી ભાજપના ઉમેદવાર સુધાકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
બેંગલુરુમાં લગભગ 17 કરોડ રૂપિયા જપ્ત કર્યા: આ પહેલા ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે બેંગલુરુમાં લગભગ 17 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. સામાન્ય ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ સમગ્ર કર્ણાટકમાં લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંગલુરુમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને લગભગ 6,552 FIR નોંધવામાં આવી છે.