નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે હિમાચલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતી તેમની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ તેઓએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત રહેવાનો નિર્ણય લીધો છે. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખરે હિમાચલ સીટ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે.
હિમાચલની બેઠક પરથી રાજીનામું : રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં જણાવ્યા મુજબ, હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યોની પરિષદ ( રાજ્યસભા )ના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં તેમની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું રાજ્યસભા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી સાંસદ પદ જારી રાખશે : ગયા મહિને ગુજરાતમાંથી ઉપલા ગૃહમાં નડ્ડાની બિનહરીફ ચૂંટાઇ આવ્યાં બાદ આ નિર્ણય આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં તેમનો કાર્યકાળ આમ તો એપ્રિલ 2024માં સમાપ્ત થવાનો જ હતો. જેપી નડ્ડા હિમાચલ બેઠક પરથી રાજીનામું આપવા છતાં, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.
એપ્રિલમાં પૂર્ણ થતી હતી મુદત : જેપી નડ્ડા રાજ્યસભાના 57 સભ્યોમાં સામેલ હતા જેમની મુદત એપ્રિલમાં પૂરી થવાની હતી. તાજેતરની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદો રાજ્યસભામાં ચૂંટાયા હતાં. જેમાં પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા, જસવંતસિંહ પરમાર, મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે.
લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી આપી દીધી : જેપી નડ્ડાની આગેવાનીમાં વિરોધીઓ પર પ્રભુત્વ જમાવવાની રેસમાં આગળ ભાજપે શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. યાદીમાં 47 યુવા ઉમેદવારો, 28 મહિલા ઉમેદવારો, 27 અનુસૂચિત જાતિ (SC) ચહેરાઓ, 18 અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો અને 57 OBC/પછાત વર્ગના ઉમેદવારોનો સમાવેશ થાય છે.