નવી દિલ્હી: ભારતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ ગરમી અને વધુ ગરમીની લહેરોની આગાહી કરવામાં આવી છે, કારણ કે અલ નીનોની સ્થિતિ ઓછામાં ઓછી મે સુધી ચાલુ રહી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે આ માહિતી આપી હતી.
ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે માર્ચમાં દેશમાં સામાન્ય કરતાં વધુ (29.9 મીમીની લાંબા ગાળાની સરેરાશના 117 ટકાથી વધુ) વરસાદ થઈ શકે છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતમાં માર્ચથી મેના સમયગાળા દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.
ક્યાં પડી શકે છે વધુ ગરમી ?
તેમણે કહ્યું કે માર્ચથી મે સુધી, ઉત્તર-પૂર્વ ભારત, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, દક્ષિણ-પશ્ચિમ દ્વીપકલ્પ અને પશ્ચિમ કિનારા સિવાય દેશના મોટાભાગના ભાગોમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાની અપેક્ષા છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ દ્વીપકલ્પ ભારતમાં - તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તર આંતરિક કર્ણાટક અને મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા ભાગોમાં ગરમીનું મોજું સામાન્ય કરતાં વધુ દિવસો સુધી રહેવાની ધારણા છે.
લોકસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં પ્રસ્તાવિત છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે અલ નીનો (મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના પાણીની સમયાંતરે ગરમી) સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન ચાલુ રહેશે અને તે પછી તટસ્થ સ્થિતિ વિકસી શકે છે. ચોમાસાની સિઝનના ઉત્તરાર્ધમાં લા નીના સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ સામાન્ય રીતે ભારતમાં સારા ચોમાસાના વરસાદ સાથે સંબંધિત છે.
IMDના વડાએ જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરીનું સરેરાશ લઘુત્તમ તાપમાન 14.61 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 પછી આ મહિનામાં બીજા ક્રમનું સૌથી વધુ લઘુત્તમ તાપમાન છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં કુલ આઠ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે પશ્ચિમ હિમાલયના રાજ્યોના હવામાનને અસર કરી હતી. તેમાંથી છ સક્રિય પશ્ચિમી વિક્ષેપ હતા. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના મેદાનોમાં વરસાદ અને કરા પડ્યા હતા.