નવી દિલ્હી: જાસૂસીના આરોપમાં કતારની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય નેવીના ભૂતપૂર્વ 8 અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી સાત ભારત પરત ફર્યા છે. કતારથી સ્વદેશ પરત ફરેલા ભારતીય નૌકાદળના એક ભૂતપૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે, "અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ હતી. અમે વડાપ્રધાનના અત્યંત આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ વિના આ શક્ય બન્યું ન હોત. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસ માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા અનુભવીએ છીએ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારે કતારમાં અટકાયત કરેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા 8 ભારતીયોની મુક્તિને ભારત સરકાર આવકારે છે. અમે તેમના સ્વદેશ પરત મોકલવાના કતારના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.
કતારની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ 30 ઓગસ્ટ, 2022ના રોજ ભારતીય નેવીના ભૂતપૂર્વ 8 અધિકારીની ધરપકડ કરી હતી. જ્યારે બધા પોતપોતાના ઘરમાં સૂતા હતા. આ તમામ અધિકારીઓ કતારની નૌકાદળને તાલીમ આપતી ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા.
દહરા વૈશ્વિક સંરક્ષણ સેવાઓ પૂરી પાડે છે. ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજામી તેના ચીફ છે. તેમની પણ 8 ભારતીય નાગરિકો સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ તમામ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને તેમની ધરપકડના લગભગ 14 મહિના પછી 26 ઓક્ટોબર 2023ના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. 28 ડિસેમ્બર, 2023 ના રોજ, તેમની મૃત્યુદંડની સજાને કેદમાં ફેરવવામાં આવી હતી.