લખનૌઃ હાઈકોર્ટની લખનૌ બેન્ચે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે, ઈસ્લામમાં માનનાર વ્યક્તિને તેની પત્ની જીવિત હોય ત્યારે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે કહ્યું કે જ્યારે તેના કોઈ પણ મુસ્લિમ વ્યક્તિના નિકાહ અકબંધ હોય ત્યારે ઇસ્લામિક માન્યતા તેને અન્ય મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની મંજૂરી આપતી નથી.
લિવ- ઇન રિલેશનશિપ માટેની કોર્ટમાં અરજી: જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ અજય કુમાર શ્રીવાસ્તવની બેન્ચે એક હિન્દુ છોકરી અને એક પરિણીત મુસ્લિમ વ્યક્તિ શાદાબ ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. જેમાં તેઓએ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. આ કેસમાં પણ લિવ-ઈન રિલેશનશિપમાં હોય ત્યારે સુરક્ષાની માંગણી પણ કરવામાં આવી હતી.
શાદાબ અને ફરીદાના મહત્વપૂર્ણ ખુલાસા: સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પ્રકાશમાં આવ્યું કે શાદાબે 2020 માં ફરીદા ખાતૂન સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેનીએક પુત્રી પણ છે. ફરીદા હાલ મુંબઈમાં તેના માતા-પિતા સાથે રહે છે. જ્યારે આ હકીકતનો સામનો કરવો પડ્યો, ત્યારે કોર્ટે કહ્યું કે, હાલની અરજી દ્વારા અરજદારો તેમના લિવ-ઇન રિલેશનશિપને કાયદેસરતા આપવા માંગે છે. જ્યારે અરજદાર શાદાબ જે ધર્મનો છે. તે ધર્મમાં લિવ-ઇન રિલેશનશિપને અનુમતિ આપવામાં આવતી નથી.
રિવાજો અને પરંપરા: તેના આદેશમાં, કોર્ટે કહ્યું કે, રિવાજો અને પરંપરાઓ પણ કાયદાના સમાન સ્ત્રોત છે અને બંધારણની કલમ 21 એવા સંબંધના અધિકારને માન્યતા આપતી નથી જે રિવાજો અને પરંપરાઓ દ્વારા પ્રતિબંધિત છે. આ ટિપ્પણીઓ સાથે, કોર્ટે પોલીસને સુરક્ષા હેઠળ બાળકીને તેના માતાપિતાને પરત કરવાનો આદેશ આપ્યો. અરજીકર્તાઓએ કહ્યું કે, તેઓ પુખ્ત વયના છે અને પોતાની મરજીથી લિવ-ઈન રિલેશનશિપમાં જીવી રહ્યા છે. બાળકીના ભાઈએ અપહરણનો આરોપ લગાવતા બહરાઈચના વિશ્વેશ્વરગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆરને અરજીમાં પડકારવામાં આવી હતી. આ સાથે અરજદારોના શાંતિપૂર્ણ જીવનમાં હસ્તક્ષેપ ન કરવા આદેશ આપવા પણ માંગ કરવામાં આવી હતી.
મુસ્લિમ માન્યતા અનુસાર હાઈકોર્ટનો ફેંસલો: કેસના તથ્યોને ધ્યાનમાં લીધા પછી, કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 21 એવા કેસોમાં રક્ષણનો અધિકાર પ્રદાન કરતી નથી કે જ્યાં રિવાજો અને ઉપયોગો અલગ-અલગ ધર્મના વ્યક્તિઓને કોઈપણ કૃત્ય કરવા માટે પ્રતિબંધિત કરે છે. કારણ કે બંધારણના અનુચ્છેદ 13માં પણ રીત-રિવાજો અને પરંપરાઓને કાયદો માનવામાં આવે છે. કોર્ટે કહ્યું કે, ઇસ્લામ વિવાહિત મુસ્લિમોને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની મંજૂરી આપતું નથી. તેથી અરજદારોને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. કોર્ટે કહ્યું કે, બંધારણીય નૈતિકતા અને સામાજિક નૈતિકતા વચ્ચે સુમેળ જાળવવાની જરૂર છે. જેથી સમાજમાં શાંતિ જળવાઈ રહે અને સામાજિક માળખું જાળવી શકાય.