શિમલા: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમારને કોંગ્રેસે અત્યારે હિમાચલ પ્રદેશમાં રાજકીય કટોકટીનો ઉકેલ લાવવાની જવાબદારી સોંપી છે. તેઓ હિમાચલ પહોંચી ગયા છે. તેમણે ગુરુવારે ખાતરી આપી હતી કે પહાડી રાજ્યમાં બધુ બરાબર છે અને સરકાર પાંચ વર્ષ સુધી રહેશે.
હિમાચલ કોંગ્રેસના નેતા અને જાહેર બાંધકામ પ્રધાન વિક્રમાદિત્ય સિંહ અને રાજ્ય પક્ષના વડા પ્રતિભા સિંહ સાથે શિમલામાં મુલાકાત કર્યા બાદ ડી. કે. શિવકુમારે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. અમે તમામ ધારાસભ્યોને સાંભળી રહ્યા છીએ. સરકારમાં કોઈ સમસ્યા નથી.
દિવસની શરૂઆતમાં, હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ રાજ્યની એકમાત્ર બેઠક માટે તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. તેના પર પ્રતિક્રિયા આપતા, પ્રતિભા સિંહે અયોગ્ય ધારાસભ્યો માટે બેટિંગ કરી અને કહ્યું કે "જો તમે તેમને બેસાડ્યા હોત, તેમની સાથે વાત કરી અને ઉકેલ શોધી કાઢ્યો હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત."
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, જ્યારે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને કોઈ ધ્યાન અપાયું ન હોય અથવા તેમની વાત સાંભળવામાં ન આવે ત્યારે તેઓ નારાજ થાય તે સ્વાભાવિક છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, નાણાં બિલ પર સરકારની તરફેણમાં મત આપવા માટે પક્ષના વ્હીપને અવગણીને 6 ધારાસભ્યોએ વિધાનસભામાં બજેટ પર મતદાન કરવાથી પણ દૂર રહ્યા હતા. આ તેમની ગેરલાયકાતનું કારણ હતું.
ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યોમાં રાજીન્દર રાણા, સુધીર શર્મા, ઈન્દર દત્ત લખનપાલ, દેવિન્દર કુમાર ભુટુ, રવિ ઠાકુર અને ચેતન્ય શર્માનો સમાવેશ થાય છે. રાજકીય કટોકટી વચ્ચે મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ એકતાના પ્રદર્શનમાં તેમના નિવાસસ્થાન પર પાર્ટીના ધારાસભ્યો સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજી હતી. શિમલા અર્બન સીટના ધારાસભ્ય હરીશ જનાર્થાએ મીટિંગ પહેલા જણાવ્યું હતું કે, આ માત્ર એક સ્નેહ મીલન છે અને ચાલો જોઈએ કે મીટિંગમાં શું થાય છે?
મીટિંગમાં શું થયું અને કેટલા ધારાસભ્યો ત્યાં હાજર હતા તે જાણી શકાયું નથી પરંતુ મોટાભાગના ધારાસભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સ્થિર છે અને તેનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરશે. જ્યારે બ્રેકફાસ્ટ મીટિંગ ચાલી રહી હતી, ત્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ પઠાનિયાએ કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની જાહેરાત કરી હતી.
આ ધારાસભ્યોએ મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યુ હતું. બાદમાં તેઓ વિધાનસભામાં બજેટ પર મતદાનથી દૂર રહ્યા હતા. પઠાનિયાએ ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ ગૃહે ફાઈનાન્સ બિલ ધ્વનિમતથી પસાર કર્યુ હતું. ત્યારબાદ સ્પીકરે સત્રની કાર્યવાહી મુલતવી રાખી હતી.
હિમાચલ પ્રદેશમાં શાસક કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે ત્યારે ભાજપે મંગળવારે રાજ્યની એકમાત્ર રાજ્યસભા બેઠક જીતી લીધી હતી. તેના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના દિગ્ગજ અભિષેક મનુ સિંઘવીને હરાવી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે માહોલ સર્જ્યો હતો. રાજ્યમાં સત્તા માટે નવી લડાઈ વચ્ચે પ્રધાન વિક્રમાદિત્ય સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ સુખવિંદર સિંહ સુખુ કેબિનેટ છોડી રહ્યા છે પરંતુ કલાકો પછી તેમણે કહ્યું કે રાજીનામા માટે દબાણ કરાશે નહીં.
કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો ભૂપિન્દર સિંહ હુડ્ડા અને ડી કે શિવકુમારે અહીં વિધાનસભા બિલ્ડિંગની નજીકની એક હોટલમાં પાર્ટીના ધારાસભ્યો સાથે એક પછી એક બેઠકો યોજી હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કરનારા 6 ધારાસભ્યો શહેરમાં નહોતા. સ્પીકર પઠાનિયા સમક્ષ પક્ષપલટા વિરોધી કાયદાની અરજી પર સુનાવણી માટે હાજર થયા પછી તેઓને પંચકુલામાં પાછા મોકલવામાં આવ્યા હતા. 68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. બાકીની 3 બેઠકો અપક્ષો પાસે છે.