નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સચિન દત્તાની અધ્યક્ષતાવાળી બેંચે અરજીને ફગાવી દેવાનો આદેશ આપતા કહ્યું કે, અરજદાર માની રહ્યા છે કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. કોર્ટ માત્ર અરજદારની ફરિયાદ પર ચૂંટણી પંચને સૂચના આપી શકે નહીં. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે તે અરજદારની ફરિયાદ પર વિચાર કરી રહ્યા છે.
અરજીમાં શું કહ્યું ? આ અરજીમાં વડાપ્રધાન પર છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. આ અરજી વકીલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાર્યવાહીની માંગ કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાને 9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશમાં તેમના ભાષણમાં હિન્દુ અને શીખ ગુરુઓના નામ પર ભાજપ માટે વોટ માંગ્યા હતા. વડાપ્રધાને પોતાના ભાષણમાં વિપક્ષને મુસ્લિમો સાથે જોડ્યા હતા. ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરવો એ લોકોના પ્રતિનિધિત્વ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
અરજીકર્તાની માંગ : આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનનું ભાષણ લોકસભા ચૂંટણીમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીમાં અવરોધો ઉભી કરી શકે છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે અદાલતે ચૂંટણી પંચને વડાપ્રધાનના ભાષણની નોંધ લેવા અને વડાપ્રધાન સામે પગલાં લેવાનો નિર્દેશ કરવો જોઈએ.
પીએમ મોદી પર આક્ષેપ : આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન હવાઈ માર્ગે દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. ઉપરાંત એવા ભાષણ આપી રહ્યા છે જેનાથી કોઈ સમુદાય વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું થઈ શકે. દેશભરમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે આવા ભાષણો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.