હૈદરાબાદ : ટેક જાયન્ટ ગૂગલે કંપનીના ઈઝરાયેલ સાથેના 1.2 બિલિયન ડોલર કરાર મામલે સીટ-ડાઉન વિરોધમાં ભાગ લેનારા 28 કર્મચારીઓને કંપનીએ છૂટા કર્યા છે. ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં દેખાવકારોએ લગભગ 10 કલાક સુધી ધરણા કર્યા હતા. આમાંથી નવ કર્મચારીઓની પેશકદમીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
શું હતો મામલો ? 16 એપ્રિલના રોજ કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં ગૂગલ ક્લાઉડના ચીફ ઓપરેટિંગ ઓફિસર થોમસ કુરિયનની ઓફિસમાં તોફાન કર્યા બાદ ગૂગલના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધઓએ કંપનીને રંગભેદ-યુગની સરકાર અને ઇઝરાયેલની સૈન્ય સાથે વેપાર કરવાનું બંધ કરવાની માંગ કરી હતી. ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા મેળવેલા ગ્લોબલ સિક્યુરિટીના ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ રેકોના આંતરિક મેમો અનુસાર આંતરિક તપાસ બાદ બુધવારે કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
28 કર્મચારીની છટણી : કર્મચારીઓને આપેલા આંતરિક મેમોમાં કંપનીએ કહ્યું કે, આ પ્રકારના વર્તનને અમારા કાર્યસ્થળમાં કોઈ સ્થાન નથી, અને અમે તેને સહન કરીશું નહીં. અમારા મોટાભાગના કર્મચારીઓ યોગ્ય કાર્ય કરે છે. જો તમે એવા કેટલાક લોકોમાંના એક છો કે જેઓ એવું વિચારવા માટે લલચાય છે કે અમે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી વર્તણૂકને અવગણીશું, તો ફરીથી વિચારો. કંપની આને અત્યંત ગંભીરતાથી લે છે અને અમે વિક્ષેપકારક વર્તન સામે પગલાં લેવા માટે અમારી લાંબા સમયથી ચાલતી નીતિઓને લાગુ કરવાનું ચાલુ રાખીશું.
ગૂગલ કોન્ટ્રાક્ટનો વિરોધ : વિરોધ પાછળના “નો ટેક ફોર એપારર્થનેઈ્ડ” નામના જૂથે ગૂગલના પગલાને પ્રતિશોધનું સ્પષ્ટ કૃત્ય ગણાવતા જણાવ્યું હતું કે, ગૂગલના કર્મચારીઓને પોતાના કામના નિયમો અને શરતો વિશે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. આ છટણી સ્પષ્ટપણે બદલો લેવા હતી.
ગૂગલનું કડક વલણ : ગૂગલ કંપનીએ જણાવ્યું હતું કે તપાસ બાદ અમે તેમાં સામેલ 28 કર્મચારીઓની નોકરીને સમાપ્ત કરી દીધી છે. અમે તપાસ કરવાનું ચાલુ રાખીશું અને જરૂર મુજબ પગલાં લઈશું.
(IANS ઇનપુટ્સ સાથે)