નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી ઉપરાંત અન્ય 3 આરોપીઓને રાઉઝ એવન્યૂ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં જામીન આપ્યા છે. આ 3 આરોપીઓમાં મીસા ભારતીનો પણ સમાવેશ થાય છે. રાબડી દેવી, મીસા ઉપરાંત હિમા યાદવ અને હ્રદયાનંદ ચૌધરીને EDએ દાખલ કરેલ કેસમાં નિયમિત જામીન મળ્યા છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગને તમામ આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો છે.
EDએ જામીન અરજીનો વિરોધ કર્યો હતોઃ કોર્ટે કહ્યું કે EDએ તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી નથી. તેથી આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવવાનું કોઈ કારણ નથી. જો કે EDએ ચારેય આરોપીઓની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે, જો તેમને જામીન આપવામાં આવે તો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શરતો સાથે જામીન આપવામાં આવે. EDની આ દલીલ સ્વીકારીને કોર્ટે ચારેયને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો છે.
9 જાન્યુઆરીએ EDએ ચાર્જશીટ દાખલ કરી હતીઃ રાબડી દેવી, મીસા ભારતી, હિમા યાદવ અને હ્રદયાનંદ ચૌધરી બુધવારે કોર્ટમાં હાજર થયા હતા. EDએ લેન્ડ ફોર જોબ કેસમાં આ 4ને આરોપી બનાવ્યા છે. આ મામલામાં કોર્ટે 27 જાન્યુઆરીએ ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલ અમિત કાત્યાલ સામે પ્રોડક્શન વોરંટ ઈશ્યૂ કર્યુ હતું. 9 જાન્યુઆરીએ EDએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. EDએ ચાર્જશીટમાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી, મીસા ભારતી, હિમા યાદવ, હ્રદયાનંદ ચૌધરી અને અમિત કાત્યાલને આરોપી બનાવ્યા છે. EDએ તાજેતરમાં જ અમિત કાત્યાલની ધરપકડ કરી હતી.