નવી દિલ્હીઃ રાજધાનીમાં અત્યારે પાણીની તંગી ચરમસીમાએ છે. જેના કારણે દિલ્હીના જળ મંત્રી શુક્રવારથી હડતાળ પર છે. જેમાં શનિવારે સાંસદ સંજય સિંહના ભાષણ દરમિયાન સેંકડો લોકો અચાનક ત્યાં પહોંચી ગયા અને કેજરીવાલ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ લોકો ભૂતપૂર્વ સિવિલ ડિફેન્સ કર્મચારીઓ હતા. તેમણે કહ્યું કે, અમે બધા છેલ્લા આઠ મહિનાથી બેરોજગાર બેઠા છીએ. કેજરીવાલ સરકારે મોટા વાયદા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે તેમની પાસે નોકરી નથી. પ્રદર્શન દરમિયાન, AAP કાર્યકરોએ ભૂતપૂર્વ સિવિલ ડિફેન્સ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી.
ભૂતપૂર્વ સિવિલ ડિફેન્સ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અમને માર માર્યો અને હવે જ્યારે લોકો વિરોધ કરવા આવ્યા છે તો તેઓ અમને ભાજપના ગુંડા કહી રહ્યા છે. તેઓએ અમને ગુંડા તરીકે ઓળખાવ્યા છે, જ્યારે અમે એ જ લોકો છીએ જેમણે કોરોના રોગચાળા દરમિયાન સૌથી વધુ મહેનત કરી હતી અને બસમાં ફરજ પર હોય ત્યારે લોકોની સેવા કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, અમે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારના મંત્રીઓ અને નેતાઓનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કોઈ અમારી વાત સાંભળતું નથી. જેના કારણે આજે અમોને અહીં ઉપવાસ સ્થળ પર આવવાની ફરજ પડી હતી. અમે ભાજપના કાર્યકરો નથી. અમે છેલ્લા ઘણા વર્ષોથી બસ માર્શલ તરીકે કામ કરતા હતા, પરંતુ અમને અચાનક હટાવી દેવામાં આવ્યા. જેના કારણે અમે બેરોજગાર બની ગયા. આજે અમે રોજગારની માંગ સાથે અહીં આવ્યા છીએ, પરંતુ AAP કાર્યકર્તાઓએ અમને માર માર્યો.
જળ મંત્રી આતિશી કહે છે કે દિલ્હીમાં પાણીની ભારે અછત છે. 28 લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. તેમને પાણી આપવા માટે હું ગઈકાલથી ઉપવાસ પર છું. આજે કેટલાક લોકો મને હેરાન કરવા અને મારા પર હુમલો કરવા માટે અહીં આવ્યા હતા. હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે, હું ગાંધીજી દ્વારા શીખવેલા સત્યાગ્રહના માર્ગ પર ચાલી રહી છું. હું આવી બાબતોથી ડરતી નથી.