નવી દિલ્હી : ખેડૂતોનું 'દિલ્હી ચલો' આંદોલનનો આજે ચોથો દિવસ છે. આ સાથે ખેડૂત આગેવાનોએ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં શુક્રવારે દેશવ્યાપી હડતાલ 'ગ્રામીણ ભારત બંધ'ની જાહેરાત કરી છે. આ આહ્વવાનના સમર્થનમાં વિરોધ કરી રહેલા ખેડૂતો ભારતભરના મુખ્યમાર્ગો પર ચક્કા જામ કરી શકે છે.
દિલ્હી ચલો આંદોલન : પોતાની માંગણીને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી ચલો આંદોલન માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ જવા મક્કમ છે. ત્યારે પંજાબ અને હરિયાણા આંતર-રાજ્ય સરહદો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા બોર્ડર વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે ત્રણ કેન્દ્રીય પ્રધાનોએ ગુરુવારે રાત્રે વાતચીત કરી હતી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની (MSP) બાંયધરી આપતા કાયદા સહિત ખેડૂત સંગઠનોની વિવિધ માંગણીઓ અંગે બેઠકમાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચંદીગઢ સેક્ટર 26 માં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે આ બેઠકમાં જોડાયા હતા. સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો આ ત્રીજો રાઉન્ડ હતો. અગાઉ 8 અને 12 ફેબ્રુઆરીએ થયેલી વાતચીત અનિર્ણિત રહી હતી. આ બેઠકમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓમાં SKM નેતા જગજીતસિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વણસિંહ પંઢેર જોડાયા હતા.
સરહદ પર ખેડૂતોએ ધામા નાખ્યા : પંજાબના ખેડૂતોએ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ કૂચ શરૂ કરી હતી. પરંતુ પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા. જોકે વિરોધ કરી રહેલા ખેડૂતોએ બોર્ડર પોઈન્ટ પર ધામા નાખ્યા છે.
ખેડૂતોના વિરોધની લાઈવ અપડેટ્સ :
- 10.35 AM
સંયુક્ત કિસાન મોરચા (SKM) દ્વારા આપવામાં આવેલા 'ભારત બંધ' એલાનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. - 10.15 AM
MSP ની કાયદેસર ગેરંટી સહિતની માંગણી સ્વીકારવા માટે સરકાર પર દબાણ કરવા સંયુક્ત કિસાન મોરચાએ 'ભારત બંધ' એલાન કર્યું છે. જેના પરિણામે પંજાબમાં ઘણી બસો બંધ રહેતા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. - 9.30 AM
પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વણસિંહ પંઢરે શુક્રવારે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરતા કહ્યું કે તેઓ મુદ્દાઓને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે. - 9.10 AM
વિરોધ કરી રહેલા ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને પંજાબ અને હરિયાણાની સરહદો પર ધામા નાખ્યા છે. બીજી તરફ કેન્દ્રીય પ્રધાનોની પેનલ સાથે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો છતાં મડાગાંઠ યથાવત છે. - 8.45 AM
ગુરુવારે રાત્રે કેન્દ્રીય પ્રધાનો સાથે પાંચ કલાકથી વધુ સમય સુધી વાટાઘાટ કરનારા ખેડૂત નેતાઓએ આંદોલનકારી ખેડૂતો પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ સંઘર્ષપૂર્ણ નહીં પરંતુ શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. - 8.05 AM
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને શુક્રવારે કહ્યું કે તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા હરિયાણા સરકારને નિર્દેશ આપે. - 7.30 AM
ખેડૂત યુનિયનના ભારત બંધના એલાન વચ્ચે વેપારીઓએ તેમની વ્યવસાયિક કામગીરી અવિરત ચાલુ રાખવા માટે ખેડૂત સમુદાયની સેવા કરવા અને આર્થિક સ્થિરતા જાળવવા માટેની પ્રતિબદ્ધતા દાખવીને છે. - 6.45 AM
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ગ્રામીણ ભારત બંધને સમર્થન આપતા ખેડૂતો આવતીકાલે તેમના ખેતરોમાં ન જાય, આ એક મોટો સંદેશ આપશે. આ આંદોલનમાં નવી વિચારધારા છે, નવી પદ્ધતિ છે. હાઈવે બંધ થશે નહીં, પરંતુ અમારા મીટિંગ પોઈન્ટ પર મીટીંગ ચાલુ રહેશે અને અમે ત્યાં નિર્ણય લઈશું. 17 ફેબ્રુઆરીએ સિસૌલીમાં માસિક પંચાયત યોજાશે. અમારી MSP માંગ છે પરંતુ પંજાબ અને હરિયાણામાં જે ઘટનાઓ બની રહી છે તેના પર વ્યૂહરચના બનાવવી પડશે. અમે તેના માટે ભીડ તરીકે એકઠા ન થવાનું કહ્યું છે. જ્યાં સુધી બંધનો સવાલ છે, અમે લોકોને સ્વેચ્છાએ ભાગ લેવા વિનંતી કરી છે. - 6.15 AM
ગુરુવારે મોડી રાત્રે વિરોધ કરી રહેલા ખેડૂત યુનિયનોના નેતાઓ અને ત્રણ કેન્દ્રીય પ્રધાનો વચ્ચેની મેરેથોન બેઠક કોઈપણ ઠરાવ વિના સમાપ્ત થઈ હતી. બેઠક પછી મીડિયા સમક્ષ કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચર્ચા સકારાત્મક રહી અને રવિવારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાશે. મંત્રણા સારા વાતાવરણમાં થઈ હતી અને સકારાત્મક ચર્ચા થઈ હતી. વાટાઘાટો ચાલુ રહેશે અને રવિવારે સાંજે 6 વાગ્યે બીજી બેઠક મળશે. સાથે બેસીને કોઈ ઉકેલ શોધી કાઢવામાં આવશે.