નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સામે પોતાની અનેક માંગણીઓને લઈને વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ ગુરુવારે પંજાબમાં ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ટ્રેનોના સંચાલન અને અસરને લઈને રેલવે વિભાગ એલર્ટ થયું છે. દિલ્હીથી મોટી સંખ્યામાં ટ્રેનો પંજાબ અને જમ્મુ કાશ્મીર જાય છે. ટ્રેનોના સંચાલનને અસર થાય તો લાખો મુસાફરો માટે સમસ્યા બની શકે છે. જેને ધ્યાને રાખી રેલવે અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.
રેલ રોકો આંદોલન : રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ખેડૂતો કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ ગુરુવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રેન રોકવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં શક્ય છે કે પંજાબ સરકાર આ ખેડૂતોને રોકવાનો પ્રયાસ ન કરે. અગાઉ પણ ખેડૂત સંગઠનોએ તેમની વિવિધ માંગણીઓ માટે રેલ રોકો આંદોલન કર્યું હતું. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ હતી. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. આ સિવાય કેટલીક ટ્રેનોને તેના ગંતવ્ય સ્ટેશન પહેલા જ રોકી દેવામાં આવી હતી. જેના કારણે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે વિભાગ એલર્ટ : રેલવે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે ખેડૂત સંગઠનોએ જણાવ્યું નથી કે તેઓ કઈ જગ્યાએ ટ્રેન રોકશે. જો ટ્રેન રોકવા માટે ખેડૂતોના વિરોધનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હોત તો ટ્રેનોના રૂટ બદલી શકાયા હોત. હાલમાં ખેડૂતો રેલવે ટ્રેક પર કઈ જગ્યાએ ધરણા કરશે તે જાણી શકાયું નથી. આવી સ્થિતિમાં અત્યારથી ટ્રેનોના ડાયવર્ઝન અથવા શોર્ટ ટર્મિનેશનની તૈયારી કરી શકાય નહીં. જેને લઈને દિલ્હીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ સતર્ક થયા છે. હાલ તેઓ ખેડૂત આંદોલન પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
રેલવે માટે સુરક્ષા અને સંરક્ષા બંને મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં RPF પણ સતર્ક છે. નોંધનીય છે કે મોટી સંખ્યામાં ટ્રેનો દિલ્હીથી પંજાબ અને જમ્મુ કાશ્મીર જાય છે. આવી સ્થિતિમાં જે મુસાફરોને ગુરુવારે પંજાબ અને જમ્મુ કાશ્મીર તરફ ટ્રેનમાં મુસાફરી કરવી છે, તેઓએ પરિસ્થિતિ જોયા પછી જ ઘરેથી નીકળવું જોઈએ જેથી રસ્તામાં કોઈપણ અસુવિધાથી બચી શકાય.