નવી દિલ્હી: રાજધાનીના વસંત વિહાર વિસ્તારમાં બુધવારે ત્યારે ચકચાર મચી ગયો જ્યારે આકાશમાંથી વિમાનના ધાતુના ટુકડા આ વિસ્તારમાં પડ્યા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ દિલ્હી પોલીસને આ અંગેની જાણ કરી હતી. પોલીસે સંબંધિત ઘટના અંગે વિમાનનો તપાસ અહેવાલ માંગ્યો છે. પોલીસે જણાવ્યું કે રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
આકાશમાંથી પડ્યા ધાતુના ટૂકડા: વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ધાતુનો ટુકડો આકાશમાંથી પડ્યો તે પહેલા, એક વિમાને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી બહેરીન માટે ઉડાન ભરી હતી. લોકોએ જણાવ્યું કે વસંત વિહાર વિસ્તારમાંથી પસાર થતી વખતે કેટલાક ઘરો પર ધાતુના ટુકડા પડ્યા, જેના પર તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. આ પછી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસ લાગી તપાસમાં: લોકોને લાગ્યું કે પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે એન્જિનના ટુકડા નીચે પડ્યા છે. ત્યારે જ પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને કેટલાક શંકાસ્પદ ટુકડાઓ જોયા. જોકે, એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે આ તે પ્લેનના ટૂકડાઓ હતા, જે બહેરીન જઈ રહ્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિત મીણાએ કહ્યું કે સંબંધિત વિમાનનો તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે પ્લેનમાં શું થયું છે કે નહીં. બીજી તરફ DGCAએ પણ તપાસના આદેશ આપ્યા છે.
એર ઈન્ડિયાનું નિવેદન: આ મામલાની તપાસમાં જાણવા મળ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX145એ 8:48 વાગ્યે બહેરીન માટે ઉડાન ભરી હતી, જેના પછી વિમાનને 9:10 વાગ્યે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું . આમાં કોઈ મુસાફરને કોઈ નુકશાન થયું નથી. ઉતર્યા બાદ દિલ્હી પોલીસને આ મામલે પીસીઆર કોલ આવ્યો હતો. જો કે, ટેકનિકલ ટીમ તપાસ દરમિયાન જ શોધી કાઢશે કે લોખંડના ટુકડા ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના હતા કે નહીં.