છત્તીસગઢ: સૂરજપુર જિલ્લામાં હાથીઓના ઝુંડે એક ખેડૂતના પ્રાણ લઈ લીધા, પ્રતાપપુરમાં છેલ્લા ઘણા દિવસોથી હાથીઓનાં એક ઝુંડે ધામો નાખ્યો છે. મૃતક ખેડૂત તેના ખેતરમાં શેરડીના પાકને હાથીઓથી બચાવવા ધ્યાન રાખી રહ્યો હતો આ દરમિયાન તેનો સામનો હાથી સાથે થઈ ગયો અને ખેડૂતને જીવ ગુમાવવો પડ્યો.
હાથીએ લીધા પ્રાણ: સોમવારના રોજ શેરડીના ખેતરમાં આવી ચડેલા હાથીઓના ઝુંડે બૈકોનાના કરસીહાપારાના રહેવાસી 35 વર્ષીય શિવમંગલ પૈકારા નામના ખેડૂતના રામ રમાડી દીધા. હાથીઓના ઝૂંડને સામે જોઈને તેણે પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો પણ ગભરાટમાં તે નીચે પડી ગયો અને પછી હાથીએ તેને પકડી લીધો અને સૂંઢેથી ઉપાડીને એવી રીતે પટક્યો કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ ખેડૂતને તાત્કાલિક અન્ય ગ્રામજનોની મદદથી સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રતાપપુર ખાતે લઈ આવવામાં આવ્યો પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકને પત્ની અને ત્રણ સગીર બાળકો છે.
ગ્રામજનોએ જણાવ્યું કે હાથીઓનું ટોળું હજી પણ ત્યાં એકઠું થયું છે અને લગભગ દસથી બાર ખેડૂતોના લાખો રૂપિયાના શેરડીના પાકને બરબાદ કરી નાખ્યો છે. અહીં વન વિભાગની ટીમ હાથીઓના ઝૂંડને જંગલ તરફ ભગાડવાનો પ્રયાસ કરી રહી છે.
હાથીઓના ઝૂંડના ધામા: 27 હાથીઓનું એક ઝૂંડ રવિવારની મધ્યરાત્રિથી પ્રતાપપુર વન રેન્જના ગામ બૈકોના, સોંતાર તેમજ બાંક નદી વચ્ચે ભ્રમણ કરી રહ્યું છે. હાથીઓનું ઝૂંડ ખેડૂતોના શેરડીના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. શેરડીના પાકને બચાવવા માટે, ખેડૂતો રાતથી જ હાથીઓને તેમની રીતે ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ શેરડીના ખેતરમાં અડ્ડો જમાવનાર હાથીઓનું ઝૂંડને અહીં હટવા તૈયાર નથી, હાથીઓ શેરડીના પાકને સતત નષ્ટ કરી રહ્યા છે.
વીજ કરંટથી હાથીના મોતના મામલામાં મોટો ખુલાસોઃ ડિસેમ્બર મહિનામાં સૂરજપુરના ઘુઇ ફોરેસ્ટ ડિવિઝનમાં હાથીના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. હાથીનું મોત વીજ કરંટથી થયું હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ તેના મૃતદેહને 12 જગ્યાએ કાપીને દફનાવવામાં આવ્યો હતો. સૂરજપુર વન વિભાગે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમના નિવેદનના આધારે, જંગલમાંથી હાથીના શરીર અને ભાગો મળી આવ્યા છે. ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.