લખનઉ : યુટ્યુબર એલ્વિસ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ટૂંક સમયમાં રેવ પાર્ટીઓમાં સાપના ઝેરના સપ્લાયના કેસમાં એલ્વિસ યાદવની પૂછપરછ કરી શકે છે. આ પહેલા એજન્સીએ ગૌતમ બુદ્ધ નગરમાં FIR નોંધાવનાર ગૌરવ ગુપ્તાનું નિવેદન નોંધ્યું હતું. એટલું જ નહીં, EDએ એલ્વિસના બે સહયોગી ઈશ્વર અને વિનય યાદવની પણ પૂછપરછ કરી છે.
સાપનું ઝેર સપ્લાય કરવાનો કેસ : હકીકતમાં, વર્ષ 2023માં ભાજપ સાંસદ મેનકા ગાંધીની સંસ્થા પીપલ્સ ફોર એનિમલ્સના અધિકારી ગૌરવ ગુપ્તાએ નોઈડામાં એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં FIR નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. ઉપરાંત એલ્વિસ યાદવની ધરપકડ પણ કરી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.
ED ની તપાસ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) પણ એલ્વિસ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી ઉપરાંત નોઈડા પોલીસ પાસેથી આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો એકત્ર કર્યા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર એલ્વિસ યાદવ અને તેના સહયોગીઓ મોટી હોટલ, રિસોર્ટ અને ક્લબમાં યોજાતી રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતા હતા.
એલ્વિસ યાદવની પૂછપરછ : ED ને માહિતી મળ્યા બાદ એલ્વિસ યાદવના સહયોગીઓની પૂછપરછ કરવામાં આવી હતી. એટલું જ નહીં જે સ્થળ પર આયોજન કરવામાં આવ્યું હતું તે હોટલ, ક્લબ અને રિસોર્ટના મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED એલ્વિસ યાદવની માલિકીના લક્ઝરી વાહનો અને બેન્ક ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ કરી શકે છે.