નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓની પરેશાનીઓ ઓછી નથી થઈ રહી. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે ED એ દિલ્હી સરકારના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. ED શનિવારે કૈલાશ ગેહલોતની પૂછપરછ કરશે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કૈલાશ ગેહલોત એ ગ્રુપનો ભાગ હતા જેણે આ શરાબ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટ દક્ષિણ ગ્રુપને લીક કરવામાં આવ્યું હતું.
કૈલાશ ગેહલોતને સમન્સ : હવે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના પરિવહન અને પર્યાવરણ પ્રધાન તથા આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતને પૂછપરછ માટે સમન્સ જાહેર કર્યું છે. દિલ્હીના કથિત શરાબ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ED તેમની પાસેથી કેટલાક પ્રશ્નો વિશે માહિતી મેળવવા માંગે છે. આ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તેઓ EDની કસ્ટડીમાં છે.
સીએમ કેજરીવાલની ધરપકડ : અગાઉ દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. એક પછી એક દિલ્હી સરકારના મુખ્યપ્રધાન સાથે અન્ય મંત્રીઓ અને નેતાઓ પણ શરાબ કૌભાંડમાં ફસાઈ રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના કાર્યકરો પણ વિરોધ પ્રદર્શન કરી સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
શું છે શરાબ કૌભાંડ ? દિલ્હીમાં આવક વધારવા માટે દિલ્હી સરકારે વર્ષ 2021-22માં નવી દારૂ નીતિ લાવી હતી. આ નીતિ પાછળનો હેતુ દર્શાવતા સરકારે કહ્યું હતું કે, દારૂના વેચાણમાં માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. દિલ્હીમાં જ્યારે નવી દારૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે તેના વિપરીત પરિણામ આવ્યા હતા. 31 જુલાઈ, 2022ની કેબિનેટ નોટમાં દિલ્હી સરકારે સ્વીકાર્યું કે દારૂનું વધુ વેચાણ થયું હોવા છતાં આવકમાં મોટું નુકસાન થયું છે.
ED ની એન્ટ્રી : ત્યારબાદ દિલ્હી સરકારના મુખ્ય સચિવે આ મામલામાં પોતાનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યો હતો. જેના કારણે દારૂની નીતિમાં ગેરરીતિની સાથે મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો પણ આરોપ લાગ્યો હતો. જે પછી મુખ્ય સચિવ નરેશ કુમાર દ્વારા મોકલવામાં આવેલા અહેવાલના આધારે ઉપરાજ્યપાલે 22 જુલાઈ 2022 ના રોજ આ સમગ્ર મામલાની CBI તપાસની ભલામણ કરી હતી. 17 ઓગસ્ટ, 2022 ના રોજ CBI દ્વારા મનીષ સિસોદિયા સહિત 14 આરોપી વિરુદ્ધ કેસ નોંધી અને મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી દારૂના કૌભાંડમાં ED ની એન્ટ્રી થઈ હતી.