નવી દિલ્હી : ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે રાયસીના ડાયલોગની નવમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. 21-23 ફેબ્રુઆરી દરમિયાન આ પરિષદમાં ભૌગોલિક રાજનીતિ અને ભૌગોલિક અર્થશાસ્ત્ર પર ચર્ચા કરવામાં આવશે.
રાયસીના ડાયલોગ : રાયસીના ડાયલોગમાં 100 થી વધુ દેશોના મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ, ટેકનોલોજી, નાણાં અને અન્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સહભાગી થઈ રહ્યા છે. રાયસીના ડાયલોગ એ ભારતની ભૌગોલિક રાજનીતિ અને ભૌગોલિક અર્થશાસ્ત્ર પરની મુખ્ય પરિષદ છે. જે વૈશ્વિક સમુદાયનો સામનો કરી રહેલા સૌથી પડકારરૂપ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.
વિદેશી મહેમાનોનું આગમન : આ બેઠક પહેલા બુધવારના રોજ તાન્ઝાનિયાના વિદેશપ્રધાન જાન્યુઆરી મકામ્બા, મોરેશિયસના વિદેશપ્રધાન મનીશ ગોબીન અને પનામાના જાનૈના ટેવેની મેન્કોમો રાયસિના સંવાદમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મહેમાનોના આગમન વિશે X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, વધુ વિદેશમંત્રીઓ #RaisinaDialogue2024 માટે નવી દિલ્હીમાં ઉતર્યા છે ! મોરેશિયસના વિદેશપ્રધાન મનીશ ગોબીન, તાન્ઝાનિયાના વિદેશપ્રધાન જાન્યુઆરી મકામ્બા અને પનામાના વિદેશપ્રધાન જાનૈના ગોબના આગમન સાથે નવી દિલ્હીમાં સ્વાગત છે.
દિલ્હીમાં રાયસિના સંવાદ ઉપરાંત વિદેશપ્રધાન એસ. જયશંકરે ગુરુવારના રોજ સ્લોવાક રિપબ્લિક, ઘાના અને તાન્ઝાનિયાના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બહુવિધ ક્ષેત્રોમાં બંને દેશો સાથે સહકાર અંગે ચર્ચા કરી હતી.
ઘાના ડેલીગેશન : ભારતીય વિદેશપ્રધાન જયશંકરે ઘાનાના વિદેશપ્રધાન શર્લી અયોર્કોર બોચવે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત-ઘાના દ્વિપક્ષીય સહયોગની વાત કરી અને ખાસ કરીને વિકાસ ભાગીદારીની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એસ. જયશંકરે મીટીંગ વિશે માહિતી શેર કરતા કહ્યું કે, #RaisinaDialogue2024 મુદ્દે ઘાનાના વિદેશપ્રધાન આયોર્કોર બોચવેને મળીને આનંદ થયો. અમારા દ્વિપક્ષીય સહકારની પ્રગતિ અને ખાસ કરીને વિકાસ ભાગીદારીનું મૂલ્યાંકન કર્યું. ઉપરાંત કોમનવેલ્થમાં સુધારાની જરૂરિયાત વિશે પણ વાત કરી.
તાંઝાનિયા ડેલીગેશન : વિદેશપ્રધાન જયશંકરે તાંઝાનિયાના પ્રતિનિધિ જાન્યુઆરી મકામ્બા સાથે ભારત અને તાંઝાનિયા વચ્ચેના દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું. એસ. જયશંકરે X પર પોસ્ટ કરતા કહ્યું કે, તાન્ઝાનિયાના વિદેશપ્રધાન જે. મકામ્બા સાથેની ઉષ્માભરી મુલાકાત. ભારત-આફ્રિકા એકતા પર અમારી રાયસિના પેનલ ચર્ચાને આગળ ધપાવી. અમારા દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિનું હકારાત્મક મૂલ્યાંકન કર્યું.
સ્લોવાક રિપબ્લિક ડેલીગેશન : એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે સ્લોવાક રિપબ્લિકના વિદેશમંત્રી જુરાજ બ્લનાર સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારત-સ્લોવાક રિપબ્લિક દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી. વિદેશપ્રધાન જયશંકરે X પર પોસ્ટ કરતા કહ્યું કે, ભારતની પ્રથમ મુલાકાતે આવેલા સ્લોવાક રિપબ્લિકના વિદેશપ્રધાન જુરાજ બ્લાનરને મળીને આનંદ થયો. અમારા દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી તથા દ્વિપક્ષીય અને પ્રાદેશિક ફોર્મેટમાં વધુ ઊંડા સહયોગની આશા છે.