મેડિકલ સાયન્સનો કમાલ, AIIMS ઋષિકેશમાં બાળકના શિશને મળ્યો નવો આકાર - AIIMS Rishikesh - AIIMS RISHIKESH
જો જન્મથી જ નવજાત શિશુનું માથું વાંકાચૂંકા અથવા અવિકસિત સ્થિતિમાં હોય તો ગભરાશો નહીં. તેની સારવાર AIIMS ઋષિકેશમાં ઉપલબ્ધ છે. સ્પ્રિંગ અસિસ્ટેડ ક્રિનિયોપ્લાસ્ટી ટેકનિકનો ઉપયોગ કરીને સંસ્થાએ દોઢ મહિનાના બાળકના માથાને નવો આકાર આપ્યો છે. AIIMS ઋષિકેશ ભારતની એકમાત્ર સરકારી આરોગ્ય સંસ્થા છે જ્યાં આ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
Published : Apr 4, 2024, 4:42 PM IST
ઋષિકેશ : આરોગ્ય સુવિધાઓ અને નવીનતમ સારવાર તકનીકોના સંદર્ભમાં AIIMS ઋષિકેશ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. તાજેતરમાં, એક નવજાત બાળકના માથાની સર્જરી કરવામાં આવી હતી, જેનું માથું આકારમાં ગોળ ન હતું પરંતુ આકારહીન હતું. હરિદ્વારના આ બાળકનો જન્મ પણ AIIMS ઋષિકેશમાં થયો હતો.
દોઢ મહિનાના બાળકના માથાની સર્જરી : AIIMS ઋષિકેશના પ્લાસ્ટિક સર્જરી અને પુનઃ નિર્માણ વિભાગે ન્યુરો સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ટીમવર્કથી આ ચમત્કાર થયો છે. સામાન્ય રીતે આ સર્જરી ઓછામાં ઓછી 4 મહિનાની ઉંમરના બાળકો પર જ કરવામાં આવે છે. પરંતુ દોઢ મહિનાના બાળકના માથા પર સર્જરી કરવામાં આવી હોય તેવો આ પહેલો કિસ્સો છે. બાળકના બેડોળ માથાને સામાન્ય આકાર આપવામાં આવ્યો છે. તબીબી ક્ષેત્રે આ તકનીકને સ્પ્રિંગ અસિસ્ટેડ ક્રેનિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે.
ક્રેનિયલ સ્પ્રિંગ સર્જરી : બર્ન એન્ડ પ્લાસ્ટિક મેડિસિન વિભાગના સર્જન ડો. દેબાબ્રતી ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે, સ્પ્રિંગ અસિસ્ટેડ ક્રેનિયોપ્લાસ્ટી બાળપણથી બાળકના માથાના અસામાન્ય જેમ કે સાંકડા, લાંબા, ત્રાંસા અથવા ખોટા આકારને સુધારવા માટે કરવામાં આવે છે. મગજને નુકસાનથી વધુ સારી રીતે બચાવવા અને અવિકસિત માથાને સુધારવામાં આ પ્રક્રિયા ખાસ કરીને અસરકારક છે. ડો. દેવબ્રતીએ જણાવ્યું કે તેને ક્રેનિયલ સ્પ્રિંગ સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જટીલ અને જોખમી સર્જરી : સર્જરી ટીમમાં ન્યુરો સર્જન અને ન્યુરો સર્જરી વિભાગના હેડ પ્રો. રજનીશ અરોરાએ જણાવ્યું કે, આ બાળકના માથાની સાઈઝ ખૂબ જ નાની અને બેડોળ હતી. જો આ સર્જરી ન કરાઈ હોત તો તેનું માથું અને મગજનો વિકાસ થઈ શક્યો ન હોત. આ સર્જરી માથાના તે ભાગને પણ અસર કરે છે જ્યાં આપણું મગજ સ્થિત છે.તેથી આ સર્જરી ખૂબ જ સંવેદનશીલ અને જોખમી હતી. તબીબી અધિક્ષક પ્રો. સંજીવ કુમાર મિત્તલે ટેકનોલોજી આધારિત સર્જરીના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું અને સર્જરીમાં સામેલ ડોકટરોની ટીમની પ્રશંસા કરી હતી.
સ્પ્રિંગ્સ અસિસ્ટેડ ક્રિયાનેપ્લાસ્ટી ? બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. વિશાલ માગો સમજાવે છે કે આ નવજાત બાળકો માટે માથાની સર્જરીની પ્રક્રિયા છે, જેમાં ખોપરીના ગેપને પહોળો કરવા માટે માથામાં નાના ચીરા કરવામાં આવે છે અને ત્યાં સ્ટેનલેસ સ્ટીલના સ્પ્રિંગ્સ ફીટ કરવામાં આવે છે. જેથી મગજને વધવા માટે જગ્યા મળી શકે. થોડા મહિના પછી સ્પ્રીંગ ખુલ્યા બાદ ત્યાં નવા હાડકાં બને છે અને બાળકના માથાને નવો આકાર મળે છે. આ સર્જરીમાં માથાની ચામડી ઓગળી શકાય તેવા ટાંકા વડે બંધ કરી દેવામાં આવે છે અને બાદમાં ટાંકા કાઢવાની જરૂર નથી.
તબીબોની પ્રશંસનીય કામગીરી : પ્લાસ્ટિક સર્જરી, ન્યુરોસર્જરી, એનેસ્થેસિયા અને બાળરોગ નિષ્ણાતોની સંયુક્ત ટીમની આગેવાની હેઠળ AIIMS ઋષિકેશ દ્વારા સ્પ્રિંગ અસિસ્ટેડ ક્રિનિયોપ્લાસ્ટી ટેકનિક સાથે અસાધારણ પરિણામ લાવી બતાવ્યા છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય લોકોમાં જટિલ રોગોની દુર્લભ પરિસ્થિતિઓ અને તેમની સારવારમાં નવી તબીબી તકનીકોના ઉપયોગ વિશે તેની કુશળતા અને અનુભવ શેર કરીને જાગૃતિ લાવવાનો છે. તેનાથી દેશભરના દર્દીઓને ફાયદો થશે. ટીમમાં સામેલ તમામ તબીબોની કામગીરી પ્રશંસનીય છે.