નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોની પ્રવૃત્તિઓ પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે ડિજિટલ સર્વેલન્સની માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, અમે દેશના તમામ સાંસદો અને ધારાસભ્યો પર નજર ન રાખી શકીએ. રાઈટ ટુ પ્રાઈવસી નામની પણ કોઈ બાબત હોય છે. તેઓ જે કંઈ પણ કરે છે તેના પર દેખરેખ રાખવા માટે અમે તેમના પર ઈલેક્ટ્રોનિક ચિપ્સ મૂકી શકતા નથી.
તમામ ધારાસભ્યોની 24 કલાક સીસીટીવી દેખરેખ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર આશ્ચર્ય વ્યક્ત કરતા બેન્ચે કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ પોતાનું અંગત જીવન હોય છે. જ્યારે અરજદારે કેસ રજૂ કરવા માટે 15 મિનિટનો સમય માંગ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે તેને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ચેતવણી આપીને સુનાવણીનો ઈનકાર કર્યો હતો.
કોર્ટે કહ્યું કે, 5 લાખ રૂપિયા વસૂલવામાં આવશે અને અમે અરજી ફગાવી દઈએ તો તે જમીન મહેસૂલની બાકી રકમ તરીકે આપવામાં આવશે. આ પ્રક્રિયાથી સમયનો વ્યય થયો છે. અરજદારે રૂબરૂ હાજર રહીને દલીલ કરી હતી કે સાંસદો અને ધારાસભ્યો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ પગારદાર પ્રતિનિધિઓ છે. તેઓ કાયદા, યોજનાઓ અને નીતિઓ બનાવવામાં લોકોના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરે છે. ચૂંટણી પછી તેઓ શાસક તરીકે વર્તવાનું શરૂ કરે છે.
પીઆઈએલમાં માંગવામાં આવેલી રાહતથી નારાજ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે અરજદારને કોઈ દંડ ફટકાર્યો નથી.