નવી દિલ્હી: મની લોન્ડરિંગના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ વિરૂદ્ધ ચાલી રહેલી તપાસમાં એક વર્ષ બાદ પણ કોઈ આરોપ સાબિત ન થઈ શકતો હોય તો તે વ્યક્તિની જપ્ત કરેલી સંપત્તિ EDએ પરત કરવી પડશે. જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે જો મિલકત જપ્ત કર્યા પછી 365 દિવસ સુધી કોઈ વ્યક્તિ સામેના આરોપો સાબિત ન થાય તો જપ્તીનો સમયગાળો આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
હાઈકોર્ટમાં અરજદારની અપીલ: હાઇકોર્ટે ભૂષણ સ્ટીલ એન્ડ પાવરના મહેન્દ્ર ખંડેલવાલની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં મહેન્દ્ર ખંડેલવાલ વતી કહેવામાં આવ્યું હતું કે, ફેબ્રુઆરી 2021માં EDએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા અને જ્વેલરી અને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ED મહેન્દ્ર ખંડેલવાલ સામે કંઈ સાબિત કરી શક્યું નથી. તેમ છતાં તેના ઘરેથી મળેલા દાગીના અને દસ્તાવેજો પરત કરવામાં આવ્યા નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરજદારની સંપત્તિ 11 ફેબ્રુઆરી, 2022ના રોજથી જ જપ્તી પ્રક્રિયામાંથી મુક્ત કરી દેવી જોઈએ.
હાઈકોર્ટની EDને ટકોર: આ બાબત પર હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મની લોન્ડરિંગ કેસમાં પેન્ડિંગ સમયગાળાની ગણતરી તે સમયથી શરૂ થાય છે ,જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે, પરંતુ આમાં EDના સમન્સને પડકારવાનો, જપ્તીની પ્રક્રિયાને પડકારવાનો સમાવેશ થતો નથી. આવી સ્થિતિમાં જો એક વર્ષમાં તપાસ પૂરી ન થાય અથવા આરોપો સાબિત ન થાય તો જપ્ત કરાયેલી સંપત્તિ પરત કરવી પડશે. કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ ઘણી કડક છે. તેથી, તપાસ એજન્સીએ જપ્તીની કાર્યવાહી શરૂ કરતા પહેલા સમજી વિચારીને આગળ વધવું જોઈએ.