પાકિસ્તાન : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મણિશંકર અય્યરે રવિવારના રોજ પાકિસ્તાની નાગરિકોની પ્રશંસા કરતાં પાકિસ્તાનના લોકોને ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવ્યા હતા. તેમના આ નિવેદનના કારણે નવો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની દૈનિક અનુસાર મણિશંકર અય્યરે લાહોરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું કે, મારા અનુભવમાં પાકિસ્તાનીઓ એવા લોકો છે જે કદાચ બીજા પક્ષ પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હોઈએ તો તેઓ અત્યંત મૈત્રીપૂર્ણ હોય છે અને જો આપણે શત્રુતાપૂર્ણ હોઈએ તો તેઓ અત્યંત શત્રુતાપૂર્ણ બને છે.
પાકિસ્તાનના લાહોરમાં અલહમરા ખાતે ફૈઝ મહોત્સવના બીજા દિવસે 'હિજ્ર કી રખ, વિસાલ કે ફૂલ, ભારત-પાક મામલો' શીર્ષકવાળા સત્રને સંબોધતા મણિશંકર ઐયરે કહ્યું, તેઓ એક એવા દેશમાં ગયા જ્યાં તેમનું ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું. કરાચીમાં મહાવાણિજ્ય દૂત તરીકેની તેમની પોસ્ટિંગને યાદ કરતા, ભૂતપૂર્વ રાજદ્વારી મણિશંકર ઐય્યરે કહ્યું કે, દરેક વ્યક્તિ તેમની અને તેમના પત્નીનું ધ્યાન રાખતા હતા. તેમણે તેમના પુસ્તક મેમોઇર્સ ઓફ અ મેવેરિકમાં ઘણી ઘટનાઓ વિશે લખ્યું છે. જે પાકિસ્તાનને ભારતીયોની કલ્પનાથી સંપૂર્ણપણે અલગ દેશ તરીકે દર્શાવે છે.
ડોનના રિપોર્ટ અનુસાર મણિશંકર ઐય્યરે કહ્યું કે, સદ્ભાવનાની જરૂર હતી પરંતુ સદ્ભાવનાને બદલે પ્રથમ નરેન્દ્ર મોદી સરકારની રચના પછીના છેલ્લા 10 વર્ષ દરમિયાન કંઈક વિપરીત બન્યું છે. હું પાકિસ્તાનના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તેઓ યાદ રાખે કે મોદીને ક્યારેય એક તૃતિયાંશથી વધુ વોટ મળ્યા નથી. પરંતુ આપણી સિસ્ટમ એવી છે કે જો તેમની પાસે એક તૃતિયાંશ વોટ હોય તો તેમની પાસે બે તૃતિયાંશ બેઠકો છે. તેથી જ બે તૃતીયાંશ ભારતીયો તમારી તરફ આવવા તૈયાર છે.
મણિશંકર એય્યરે તેમના મિત્ર ભૂતપૂર્વ રાજદૂત સતિંદર કુમાર લાંબાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે એક પુસ્તક લખ્યું હતું કે તેમણે રાજદ્વારી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન છ અલગ-અલગ વડાપ્રધાનો હેઠળ કડવા પાડોશી વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો માટે કેવી રીતે કામ કર્યું હતું. બંને દેશો વચ્ચે કોમ્યુનિકેશન ચેનલ ખોલવા માટેના તેમના આહ્વાનને પુનરાવર્તિત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના વર્તમાન શાસને પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઈનકાર કરીને સૌથી મોટી ભૂલ કરી છે.
આ કાર્યક્રમમાં મણિશંકર અય્યરે કહ્યું, કોંગ્રેસ સરકાર અને ભાજપ સરકાર દરમિયાન ઈસ્લામાબાદમાં પાંચ ભારતીય હાઈ કમિશનર હતા. તેઓ બધા એકમત હતા કે આપણા ગમે તે મતભેદો હોય પરંતુ આપણે પાકિસ્તાન સાથે જોડાણ કરવું જોઈએ. ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં આપણે વાતચીત કરવાનો ઇનકાર કર્યો તે સૌથી મોટી ભૂલ હતી. અમારી પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ છે, પણ ટેબલ પર બેસીને વાત કરવાનું સાહસ નથી.
ડોનના અહેવાલ અનુસાર મણિશંકર ઐયરે કહ્યું કે, હિંદુત્વ હેઠળ તેઓ પાકિસ્તાનની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એક ઇસ્લામિક ગણરાજ્ય બન્યું છે. ઇસ્લામિક ગણતંત્ર પર ગાંધી-નેહરુનો જવાબ હતો કે તે ધર્મ આધારિત ગણતંત્ર નહીં, પરંતુ તમામ ધર્મો પર આધારિત ગણતંત્ર બનશે. 65 વર્ષ સુધી ચાલતી તેમની ફિલસૂફી 2014 માં ઉથલાવી દેવામાં આવી હતી અને આગામી પાંચ વર્ષ સુધી દિલ્હીમાં આપણે એવી જ માનસિકતા રાખીશું. આ અલ્પસંખ્યકોનો અભિપ્રાય છે કારણ કે 63 ટકા ભારતીયોએ ક્યારેય ભાજપને મત આપ્યો નથી. ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોએ સરકારને બાયપાસ કરીને ભારત અને પાકિસ્તાનની બહાર મળવાનું ચાલુ રાખવું જોઈએ.