નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાણી-અદાણીના નિવેદન પર ઝાટકણી કાઢી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એવું લાગે છે કે દોસ્ત, દોસ્ત નથી રહ્યા અને આ સંકેત છે કે સમય બદલાઈ રહ્યો છે.
પીએમ મોદીના ચાબખા : વાસ્તવમાં પીએમ મોદીએ તેલંગાણામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ છેલ્લા પાંચ વર્ષથી સતત અંબાણી-અદાણી પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ આ ચૂંટણીમાં તેઓ તેમના પર કંઈ બોલી રહ્યા નથી. ક્યાંક એવું તો નથી ને કે તેમની વચ્ચે કોઈ ડીલ થઈ છે. શું ટેમ્પોમાં ભરાઈને બંડલ કોંગ્રેસ સુધી પહોંચી ગયું છે.
મલ્લિકાર્જુન ખડગેનો વળતો પ્રહાર : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું કે, સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ન રહ્યા…! ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.
પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ભાજપનું સમગ્ર તંત્ર રાહુલ ગાંધી વિશે જુઠ્ઠાણું ફેલાવવામાં વ્યસ્ત છે. ભાજપ સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત છે. પીએમ મોદી ભલે મુદ્દાઓને આમથી તેમ વાળવા માંગતા હોય, પરંતુ હું વાસ્તવિક મુદ્દાને વળગી રહીશ. દેશમાં બેરોજગારી અને મોંઘવારી મોટા મુદ્દા છે અને હું તેને ઉઠાવવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસના ઉમેદવારો રાયબરેલી અને અમેઠી બંને બેઠક પરથી ચૂંટણી જીતશે.