મધ્યપ્રદેશ : છિંદવાડા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના આદિવાસી બહુલ વિસ્તાર એવા તામિયાના બોદલ કછાર ગામમાં એક આદિવાસી પરિવારના 8 લોકોની કુહાડી વડે પરિવારના જ વ્યક્તિએ સામૂહિક હત્યા કરી નાખી છે. આ ભયાનક હત્યા કર્યા બાદ હત્યારાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. હાલ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
પરિવારમાં સામૂહિક હત્યા : છિંદવાડા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ મંગળવાર-બુધવાર વચ્ચેની રાત્રે આ ક્રૂરતા આચરી હતી. SP મનીષ ખત્રીએ ETV Bharat ને જણાવ્યું કે, પરિવારના વડાએ કુહાડી વડે 8 લોકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. કેસની તપાસ ચાલી રહી છે.
હત્યાનું કારણ શું હોઈ શકે ? આ હત્યાકાંડને કારણે તામીયાના બોદલ કછાર ગામમાં ભયનો માહોલ છે. આ હત્યાકાંડ અંગે ગ્રામજનો દરેક પ્રકારની વાતો કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હત્યારો દિનેશ જે પરિવારનો વડો કહેવાય છે, તે માનસિક રીતે અસ્વસ્થ હતો. ઉશ્કેરાટમાં તેણે પરિવારના તમામ સભ્યોની હત્યા કરી નાખી. જોકે, પોલીસે આરોપી અંગે આ વાતને સમર્થન આપ્યું નથી.
પરિવારના 8 સભ્યોની હત્યા : આરોપીએ પહેલા કુહાડી વડે પત્નીની હત્યા કરી હતી. પછી માતા, ભાઈ, બહેન, ભાભી અને તેના બાળકોની એક પછી એક હત્યા કરી. આ પછી આરોપી 50 મીટર દૂર તેના કાકાના ઘરે ગયો અને 10 વર્ષના છોકરા પર પણ હુમલો કર્યો, પરંતુ તે પોતાનો જીવ બચાવવા ભાગી ગયો. આ બાળકે સમગ્ર ઘટના આસપાસના લોકોને જણાવી અને બાદમાં ગામલોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આરોપીના કાકાના પુત્રએ જણાવ્યું કે, આ ઘટના રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આરોપીએ તેની માતા (55 વર્ષીય), ભાઈ (35 વર્ષીય), ભાભી (30 વર્ષીય), બહેન (16 વર્ષીય), ભત્રીજા (5 વર્ષીય) અને બે ભત્રીજીઓની (સાડા ચાર અને દોઢ વર્ષીય) હત્યા કરી નાખી હતી.
8 દિવસ પહેલા આરોપીના લગ્ન થયા હતા : આ ભયાનક હત્યાકાંડનો વિચલિત કરનાર વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે એસપી મનીષ ખત્રીએ જણાવ્યું કે, આરોપી દિનેશના લગ્ન 21 મેના રોજ થયા હતા. બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી માનસિક રીતે બીમાર હતો. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ જેમની ઘાતકી હત્યા કરી તેમાં તેની પત્ની, માતા, ભાઈના બાળકો અને બહેન વગેરેનો સમાવેશ થાય છે.
હત્યારાએ કરી આત્મહત્યા : એસપી મનીષ ખત્રીએ જણાવ્યું કે, જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની શોધખોળ કરી તો આરોપીનો મૃતદેહ ઘરથી થોડે દૂર ગટરના કિનારે ઝાડ પર લટકતો જોવા મળ્યો. એવું માનવામાં આવે છે કે તમામની હત્યા કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. ફોરેન્સિક ટીમ પણ દરેક એંગલથી તપાસ કરી રહી છે. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે આરોપીના હુમલામાં ઘાયલ થયેલા કાકાના પુત્રને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે.
કમલનાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી : આ હત્યાકાંડ પર દુખ વ્યક્ત કરતા કમલનાથે લખ્યું કે, છિંદવાડામાં એક આદિવાસી પરિવારના 8 સભ્યોની હત્યા કર્યા પછી આરોપીએ પોતાને ફાંસી લગાવવાની ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ હ્રદયદ્રાવક ઘટનાથી હું દુઃખી છું. મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું મધ્યપ્રદેશ સરકારને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા, સત્ય બહાર લાવવા અને આવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા કડક પગલાં લેવાની માંગ કરું છું.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા : છિંદવાડામાં બનેલી આ હૃદયદ્રાવક ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે, આવી ઘટના ખૂબ જ દુઃખદ છે, છિંદવાડાની ઘટનાની તપાસ કરવામાં આવશે.