ચંદીગઢ : આખરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ આજે 30 જાન્યુઆરી, મંગળવારના રોજ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ અને AAP ના નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પછી હાઈકોર્ટે વહીવટીતંત્રને ફટકાર લગાવી હતી અને જાન્યુઆરીમાં જ મેયરની ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા હતા.
ચંદીગઢના મેયરની ચૂંટણી : ચંદીગઢના મેયર કોણ હશે તે આજે નક્કી થવાની ધારણા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદા બાદ મંગળવારે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ છેલ્લા સમયના સંજોગોને ધ્યાનમાં લઈને કાઉન્સિલરોને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે કહેવામાં આવ્યું છે.
ચંદીગઢ પ્રશાસનને નિર્દેશ : હાઈકોર્ટે વધુમાં કહ્યું છે કે, વોટિંગ દરમિયાન કોઈ બહારના વ્યક્તિને અંદર જવાની પરવાનગી આપવી નહીં. કાઉન્સિલરો પણ તેમના સમર્થકો અને સુરક્ષા કર્મચારીઓ સાથે અંદર જશે નહીં. ચંદીગઢ પોલીસ તમામ કાઉન્સિલરોને સુરક્ષા પૂરી પાડશે. ચૂંટણી દરમિયાન અથવા ચૂંટણી બાદ કોઈ હંગામો ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ચંદીગઢ પોલીસ અને પ્રશાસનની રહેશે. સુરક્ષા માટે ત્યાં અન્ય રાજ્યોની પોલીસ નહીં હોય.
હાઈકોર્ટનો આદેશ : હાઈકોર્ટના ચુકાદા પહેલા ચંદીગઢ પ્રશાસને હાઈકોર્ટમાં એક વિગતવાર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સુરક્ષાના કારણોસર 6 ફેબ્રુઆરી પહેલા ચૂંટણી યોજી શકશે નહીં. પરંતુ હાઇકોર્ટે જાન્યુઆરીમાં જ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હવે ચંદીગઢના મેયર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
કોંગ્રેસ-આપ એકસાથ : અગાઉ ચંદીગઢના મેયરની ચૂંટણી 18 જાન્યુઆરીએ યોજાવાની હતી. પરંતુ ચૂંટણી અધિકારીની બિમારીના કારણે ચૂંટણી થઈ શકી નહોતી. ત્યારબાદ કોંગ્રેસ અને AAP કાર્યકર્તાઓએ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની બહાર હંગામો કરી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતો. ચંદીગઢના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે એકસાથે આવી રહ્યા છે. આ સાથે લઘુમતીના કારણે ભાજપ માટે આ ચૂંટણી ઘણી મુશ્કેલ બની ગઈ છે.