નવી દિલ્હી : મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ફેરવવાના કેસમાં CBI એ પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ કર્મચારીઓ કથિત રીતે કુકી-ઝોમી સમુદાયની બે મહિલાઓને તેમની સરકારી જીપ્સીમાં બેસાડીને કાંગપોકપી જિલ્લામાં લગભગ 1,000 મૈતી તોફાનીઓની ભીડમાં લઈ ગયા હતા.
મણિપુર હિંસા : ચાર્જશીટમાં જણાવાયું છે કે, રાજ્યમાં થયેલા જાતીય હિંસા દરમિયાન ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો તે પહેલાં બંને મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ફેરવવામાં આવી હતી. એટલું જ નહીં ટોળા તે પરિવારની ત્રીજી મહિલા પર પણ હુમલો કર્યો અને તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ભાગવામાં સફળ રહી હતી.
ચોંકાવનારો ખુલાસો : ચાર્જશીટમાં જણાવ્યા મુજબ ત્રણેય પીડિતોએ ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ પાસેથી મદદ માંગી, પરંતુ તેમને કોઈ મદદ આપવામાં આવી ન હતી. આમાંથી એક મહિલા કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકની પત્ની હતી. તેમણે પોલીસ કર્મચારીઓને તેને સલામત સ્થળે લઈ જવા કહ્યું, પરંતુ કથિત રીતે પોલીસ કર્મચારીઓએ તેને કહ્યું કે તેમની પાસે વાહનની ચાવી નથી.
શું હતો બનાવ ? નોંધનીય છે કે, 4 મે 2023 ના રોજ આ ઘટના બની હતી. તેના લગભગ બે મહિના બાદ ગયા વર્ષે જુલાઈમાં તેનો વિડીયો પ્રકાશમાં આવ્યો હતો. વિડીયોમાં પુરુષોના ટોળા વચ્ચે બે મહિલા નગ્ન અવસ્થામાં જોવા મળી હતી. ગયા વર્ષે 16 ઓક્ટોબરના રોજ CBI દ્વારા ગુવાહાટીની CBI કોર્ટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ અને સીસીએલ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપ છે કે AK રાઈફલ, SLR, INSAS અને 303 રાઇફલ જેવા આધુનિક હથિયારોથી સજ્જ 900 થી 1000 લોકોની ભીડથી બચીને બંને મહિલા ભાગી રહી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ટોળાએ સૈકુલ પોલીસ સ્ટેશનથી લગભગ 68 કિમી દક્ષિણે કાંગપોકપી જિલ્લાના એક ગામ બી ફીનોમના તમામ ઘરમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી હતી.
મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર : આ ત્રણ મહિલાઓ સહિત 10 લોકો ટોળાથી છુપાઈને હાઓખોંગચિંગ જંગલમાં ભાગી ગયા હતા. પરંતુ તોફાનીઓએ તેમને જોયા અને તેમને ઘેરી લીધા. ત્યારબાદ ભીડે મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને નગ્ન પરેડ અવસ્થામાં ફેરવી હતી.